MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
અમદાવાદ વિમાન દુર્ઘટના જેના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા હતા. એર ઇન્ડિયાનું પ્લેન 12 જૂનના રોજ ક્રેશ થયું હતું જેમાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો આ દુર્ઘટના બાદ અનેક વિમાનમાં નાની-મોટી ખામી સર્જાઈ રહી છે. ત્યારે આજે અમદાવાદમાં જ ઈન્ડિગોના વિમાનમાં ખામી સર્જાતા મુસાફરોના જીવ અઘ્ધર થઇ ગયા હતા. ટેક-ઓફ સમયે જ ફ્લાઇટમાં આગ લાગતાં ફ્લાઇટ રનવે પરથી પરત ફરી હતી. છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થતા અનેક મુસાફરો અટવાઈ ગયા હતા.

હજુ ગઈકાલે જ દિલ્હી એરપોર્ટ પાર ફ્લાઇટના એન્જીનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના ટળી હતી. અમદાવાદથી દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ આગ લાગતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સવારે 11-15 વાગ્યે અમદાવાદથી દીવ જવાની હતી ત્યારે ફ્લાઇટના એન્જીનમાં આગ લાગતા છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાયા હતા.

60 મુસાફરો સવાર હતા
ફ્લાઇટમાં જયારે આગ લાગી હતી ત્યારે તેમાં 60 મુસાફરો સવાર હતા. સવારે સવા અગિયાર વાગ્યાના અરસામાં અમદાવાદથી દીવ જતી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E7966માં આગ લાગતાં પાઇલટે મેડે કોલ મોકલ્યો હતો. ફ્લાઇટને ટેક-ઓફ ન કરીને રનવે પરથી પરત લીધી હતી. ત્યારબાદ તમામ પ્રવાસીઓને સુરક્ષિત નીચે ઉતારી લેવાયા છે અને ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
પાયલટની સમયસૂચકતાના કારણે પ્રવાસીઓ સુરક્ષિત
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ આજે ફરી ઈન્ડિગોના વિમાનના એન્જીનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈટ રનવે પર પણ આવી ગઈ હતી, પરંતુ ટેક-ઓફ સમયે જ એન્જિનમાં આગ લાગતાં પાઇલટે મેડે કોલ મોકલીને ફ્લાઈટને રનવે પરથી જ પરત લઈ લીધી હતી પાયલટની સમયસૂચકતાના કારણે ફ્લાઈટના તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. મુસાફરોને ફ્લાઈટમાંથી સુરક્ષિત નીચે ઉતારાયા છે. ઈન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે, ‘પાયલટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરીને અધિકારીઓને માહિતી આપી છે અને પ્લેનને ફરી ‘બે’માં મોકલી દેવાયું છે. પ્લેનને ઓપરેશનમાં લાવ્યા પહેલા તમામ તપાસ અને મેન્ટેન્સ કરવામાં આવશે.