રાજકોટમાં કેમીકલ બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ : ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો, ફેક્ટરી માલિક ધરાવે છે વીમો
રાજકોટમાં છેલ્લા થોડ સમયથી આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે તેમાં પણ કારખાનામાં આગ લાગવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ KBZ કંપનીમાં આગ લાગી હતી ત્યારે આજે રાજકોટના નવાગામમાં ઇન્ડસ્ટ્રીયઅલ એરીયમાં જે. કે. કોટેજ નામની કેમીકલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયરના અધિકારીઓ, કર્મચારીઓ સાત ગાડીઓ સાથે પહોંચ્યા હતા.
શું છે સમગ્ર ઘટના ??

મળતી વિગતો અનુસાર આ ઘટના શહેરના નવાગામ પાસેની છે જ્યાં બપોરે 12 વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટના સામે આવી હતી. મેંગો માર્કેટ પાસે આવેલા રાજારામ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલી જે. કે. કોટેજ નામની કેમિકલ બનાવતી ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ફેક્ટરીના માલિક દીપકભાઇ નળીયાપરા છે. ત્યારે આગ લાગ્યાની જાણ ફાયરની ટીમને કરવામાં આવ્યા છ બંબા સાથે ફાયર બ્રિેગડના અધિકારીઓ, કર્મચારીઓ, જવાનો દોડી ગયા હતાં અને આગને કાબુમાં લેવા કામગીરી ચાલુ કરી હતી. જો કે અંદર મોટા પ્રમાણમાં લિક્વીડનો જથ્થો હોવાથી આગ વધુ પ્રમાણમાં ફેલાઇ ગઇ હતી. આ કારણે 7થી વધુ કિલોમીટર સુધી ધુમાડા જોવા મળતાં હતાં.

ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો
આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. 60 જેટલા સાથે મળીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ પર કાબૂ મેળવવાની કામગીરી દરમિયાન એક કર્મચારી વિજયભાઈ જેસર ઇજાગ્રસ્ત થયા હતા તેઓ પાણીનો મારો ચલાવી રહ્યા હતા તે દરમિયાન પગ સ્લીપ થતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ફેક્ટરીની આસપાસ 66 kvની વિજલાઇન પસાર થતી હોવાથી પહેલા પાવર કટ કરવામાં આવ્યો અને ત્યારબાદ કેમિકલ ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બપોરે 2 વાગ્યા આસપાસ આગ કાબૂમાં આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની ઘટનામાં ઓફિસમાં કોમ્પ્યુટર, પ્રિન્ટર, ફાઇલ, બિલ બળીને ખાખ થઈ ગયા હતા.
ફેક્ટરી માલિક પાસે વીમો છે
આગ કયા કારણોસર લાગી છે તેનું કારણ હજુ જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા તપાસ કર્યા બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ત્યારે ફાયર વિભાગે જાહેર કરેલી વિગતો અનુસાર ફેક્ટરીના માલિક પાસે વીમો છે ત્યારે ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા માલિકને ફેક્ટરીની અંદર પ્રવેશ ન કરવાની સૂચના આપવામાં આવી છે.