MP : હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ..જુઓ વીડિઓ..
મધ્યપ્રદેશમાં હરદા ખાતે આવેલી ફટાકડાં ફેક્ટરીમાં ભયંકર ધડાકો થયો હતો અને ત્યારબાદ બેકાબૂ આગ ફાટી નીકળતા 11 લોકોના મોત થયા હતા અને 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. . ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. જેના લીધે ઊંચી ઊંચી આગની જ્વાળાઓ ઊઠી રહી હતી. આ ફેક્ટરીમાં કામ કરનારા અનેક લોકો તેમાં ફસાયા હતા અને એમને કાઢવા બચાવ ઓપરેશન હાથ ધરાયું હતું. ધડાકા એટલા ભયંકર હતા કે ધરતી હલી ગઈ હતી અને આગની લપતોમાં 60 ઘર પણ આવી ગયા હતા. ચીસાચીસ અને કલ્પાંતથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ધુમાડાના બેકાબૂ ગોટા આકાશમાં છવાઈ ગયા હતા.
ઘટના બાદ મુખ્યમંત્રી ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને તાબડતોબ 1 એમ્બ્યુલન્સ મોકલી દેવાઈ હતી. ઘાયલોને દવાખાને ખસેડાયા હતા. ફેક્ટરી પાસે મૃતદેહો વિખરાયેલા મળી આવ્યા હતા.
ઘાયલોની સંખ્યા પણ 60 ને વટાવી ગઈ હોવાની માહિતી મુખ્યમંત્રી મોહન યાદવે આપી હતી. તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવવો એ અમારી પ્રાથમિકતા છે. આ ઘટના વિશે વિગતવાર માહિતી કેન્દ્ર સરકારને આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે ઘાયલોને મફત સારવાર આપવાનો નિર્ણય લેવાયો છે. આગ ઠારવા માટે કલાઓ સુધી જહેમત કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો અને દૂર દૂર સુધી ધડાકાના અવાજ સંભળાયા હતા. આગની લપટોમાં કરોડોનું નુકસાન થયું હતું.
100થી વધુ મકાનો ખાલી કરાવાયા
ફટાકડાં ફેક્ટરી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના લીધે આજુબાજુના 60થી વધુ મકાનો વિસ્ફોટ અને આગની લપેટમાં આવી ચૂક્યા હતા. 100થી વધુ મકાનોને ખાલી કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી મોહન યાદવ પણ એક્ટિવ થયા હતા અને આ ઘટનાને ધ્યાનમાં રાખી તેમણે ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
રહેણાંક વિસ્તારમાં ફેક્ટરી શા માટે ?
દરમિયાનમાં આ ઘટના બાદ એવા સવાલો પણ ઉઠયા હતા કે ફટાકડાની ફેકટરીને રહેણાંક વિસ્તારમાં કોણે મંજૂરી આપી હતી ? સુરક્ષાના માપદંડોની કોઈ પરવા કરવામાં આવી નથી. આ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
NDRF અને SDRFની ટીમ બોલાવાઈ
માહિતી અનુસાર મુખ્યમંત્રી મોહન યાદવે આ મામલે ઈમરજન્સી બેઠક યોજી હતી. જેના બાદ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને બચાવ કામગીરીમાં મદદ કરવા બોલાવાઈ હતી. બીજી બાજુ ભોપાલમાં હોસ્પિટલોમાં બર્ન વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.
મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂ. વળતરની જાહેરાત
મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વમાં આયોજિત બેઠક બાદ મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે બચાવ કામગીરી પર નજર રાખવા માટે એક સમિતિની રચના પણ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાને દુખ વ્યક્ત કરી 4 લાખની સહાય જાહેર કરી
વાદપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે અને લોકોના મૃત્યુ અંગે ભારે દુખની લાગણી વ્યક્ત કરી હતી અને મૃત્યુ પામનારના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાય જાહેર કરી હતી. એમણે મુખ્યમંત્રી પાસેથી વિગતો મેળવી હતી.