મોરબીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઇ હતી. મોરબી જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડીને ક્યાં કારણોસર આ પગલું ભરવામાં આવ્યું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના શહેરમા રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે આવેલ વસંત પ્લોટની છે જ્યાં રોયલ પેલેસ નામના ફ્લેટમાં ચોથા માળે હાર્ડવેરના વેપારી પરિવાર સાથે રહેતા હતા ત્યારે તેમણે ત્ની અને પુત્ર સાથે આપઘાત કરીને જીવનનો અંત લાવી દેતા સનસનાટી મચી જવા પામી છે. હરેશભાઇ દેવચંદભાઈ કાનાબાર, તેમના પત્ની વર્ષાબેન હરેશભાઇ કાનાબાર અને પુત્ર હર્ષ હરેશભાઇ કાનાબારએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ફેલટમાં ગળેફાંસો ખાઈ સામુહિક આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતકના ભાઈ પંકજભાઈ કાનાબારે પોલીસને જાણ કરતા ગંભીર બનાવ મામલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો વસંતપ્લોટ ખાતે બનાવ સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસને મળેલ સ્યુસાઈડ નોટમાં અંગત કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પરિવારના સભ્યોએ ફ્લેટમાં અલગ અલગ જગ્યાએ ગળેફાંસો ખાધો હતો જેમા એક વ્યક્તિ બેડરૂમમાં, એક વ્યક્તિ હોલમાં અને એક વ્યક્તિએ રસોડામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં પોલીસે આ ગંભીર બનાવમાં મૃતકના પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.