મનપાએ ૨૨થી વધુ શાળા-હોસ્પિટલ પાસે ‘બધું’ હોવા છતાં સીલ માર્યું !
મેયર, ડે.મેયર, પ્રભારી, ધારાસભ્ય, પ્રમુખ, સ્ટે.ચેરમેન સહિતના ગાંધીનગર મુખ્યમંત્રી પાસે દોડી ગયા
ગેરકાયદેસર હોય તેને સીલ લાગવું જ જોઈએ, નિયમના દાયરામાં રહેનારને કેમ સીલરૂપી દંડ ? મુખ્યમંત્રીએ કહ્યું, કંઈક કરશું
અગ્નિકાંડ બાદ મહાપાલિકા દ્વારા ફાયર એનઓસી, બીયુપી, કમ્પલીશન સર્ટિફિકેટ ન હોય તેવી મિલકતોને ધડાધડ સીલ મારવાનું શરૂ કરી દેવાયું છે. અત્યાર સુધીમાં ૫૦૦ જેટલી મિલકતોને સીલ લાગી ગયા છે ત્યારે આ સીલને ઝડપથી ખોલાવવા માટે વેપારીઓ દ્વારા રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે પદાધિકારીઓ દ્વારા પણ હવે આ મામલે ઝંપલાવી દેવાયું છે અને સીધા મુખ્યમંત્રી પાસે દોડી જઈને રજૂઆત કરી છે. પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ સાથે જણાવાયું છે કે રાજકોટની ૨૨થી વધુ શાળા અને હોસ્પિટલ પાસે ફાયર એનઓસી, કમ્પલીશન સર્ટિફિકેટ તેમજ બિલ્ડિંગ યુઝ પરમીશન (બીયુપી) હોવા છતાં તેને સીલ લગાવી દેવામાં આવ્યું છે !
મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય રમેશ ટીલાળા તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતની ટીમે મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી જેમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર મિલકત સામે કાર્યવાહી થાય તે જરૂરી જ છે તેમાં કોઈને વાંધો ન હોય શકે પરંતુ ૨૨થી વધુ સ્કૂલ, હોસ્પિટલ એવી છે જે બેથી ત્રણ એકરમાં ફેલાયેલી છે અને તમામ પાસે બધા પૂરાવા હોવા છતાં મહાપાલિકા દ્વારા તેને સીલ મારી દેવામાં આવ્યું હોવાથી આ સીલ તુરંત ખોલવું જોઈએ.
મુખ્યમંત્રી દ્વારા પદાધિકારીઓની રજૂઆત સાંભળ્યા બાદ આ દિશામાં ઝડપથી કાર્યવાહી કરાવવા બાબતે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનું પદાધિકારીઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
હાઉસિંગ બોર્ડના રહીશોને ભીક્ષુક ગૃહમાં આશરો અપાશે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે એમ પણ જણાવ્યું કે હાઉસિંગ બોર્ડના ૫૯૬ ક્વાર્ટર કે જે જર્જરિત હાલતમાં હોવાથી ત્યાં રહેતાં તમામને અન્યત્ર ચાલ્યા જવા માટે કહેવામાં આવ્યું છે. મનપા દ્વારા તમામ વીજ-નળ જોડાણ કટ કરી નખાયા છે ત્યારે હવે અહીં રહેતાં પરિવારજનોને આશરો આપવા માટે મહાપાલિકા આગળ આવી છે. આમ તો આશરો આપવાની જવાબદારી મનપાની નથી આમ છતાં માનવતાના ધોરણે હાઉસિંગ બોર્ડમાં વસવાટ કરતાં ૪૦૦૦થી વધુ લોકોને પ્રધાનમંત્રી ભીક્ષુક આવાસ યોજના અંતર્ગત એક બીએચકેના ક્વાર્ટરમાં સમાવેશ કરી શકાય તેમ છે. આ તમામ લોકો બેથી ત્રણ વર્ષ અથવા તો જ્યાં સુધી હાઉસિંગ બોર્ડ દ્વારા ક્વાર્ટર તૈયાર ન થાય ત્યાં સુધી અહીં રહી શકે છે. બીજી બાજુ ચોમાસું આવી રહ્યું હોવાથી તમામને એક આશરો મળી જશે.