રાજકોટમાં પ્રેમનું રટણ કરી શખસે નર્સ સાથે આચર્યું દુષ્કર્મ : રૂ.8.56 લાખ, સોનાની ચેઇન પડાવી લીધી
રાજકોટ શહેરમાં નર્સને પ્રેમજાળમાં ફસાવી શખસે તેની સાથે દુષ્કર્મ આચરી તેની પાસેથી 8.56 લાખની રોકડ અને સોનાની ચેઈન પણ પડાવી લીધી હતી.જ્યારે ભોગ બનનારને જાણ થઈ કે આરોપી અગાઉથી પરણિત છે, ત્યારે આરોપીએ તેને લગ્નના ખોટા વાયદા આપી વિશ્વાસમાં લઈ શાંત પાડી દીધી હતી. જોકે દગાખોરે શખસને અન્ય કોઈ સ્ત્રી સાથે પણ સંબંધ હોવાની યુવતીને જાણ થતાં જ રઝળતી મૂકી નાસી છૂટ્યો હતો.
આ અંગેની વિગતો મુજબ, યુનિવર્સિટી પોલીસ મથકમાં જેતે સમયે એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી (હાલ ઘરકામ) યુવતીએ આરોપી બાવાશા યાશીનશાહ પઠાણ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, વર્ષ 2022માં એક ખાનગી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં નોકરી કરતી હતી. તે સમયે આરોપી બાવાશા પઠાણ તેના પિતાની સારવાર માટે ત્યાં આવતો હતો. આ દરમિયાન બંને વચ્ચે પરિચય થયો હતો અને મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. આરોપીએ યુવતીને વિશ્વાસમાં લીધી હતી કે તે અપરિણીત છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.
આ પણ વાંચો :બાંગ્લાદેશને લાગ્યો પાકિસ્તાનનો રંગ : વર્લ્ડકપ રમવા ભારત નહીં આવે,વર્લ્ડકપ માટે બાંગ્લાદેશ ટીમનું એલાન: હિન્દુ ક્રિકેટરને બનાવ્યો કેપ્ટન
મે 2022માં આરોપીએ પ્રથમ વખત યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ હોટલ અને યુવતીના નિવાસસ્થાને અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ દરમિયાન યુવતીને જાણ થઈ કે બાવાશા પરિણીત છે અને તેની પત્નીનું નામ ફિરોઝાબેન છે. જોકે, આરોપીએ ફરીથી યુવતીને ફોસલાવી હતી કે તે તેની પત્ની સાથે રહેવા માંગતો નથી અને ટૂંક સમયમાં લગ્ન કરી લેશે. આ વિશ્વાસના આધારે આરોપીએ યુવતી પાસેથી કટકે-કટકે ઓનલાઇન અને રોકડા મળી કુલ રૂ. 8,56,000 મેળવ્યા હતા. એટલું જ નહીં, યુવતીનો 8 ગ્રામનો સોનાનો ચેઈન પણ પહેરવા માટે લઈ પરત આપ્યો ન હતો.
જે બાદ 5 જૂન, 2025ના યુવતીને જાણવા મળ્યું હતું કે બાવાશાને અન્ય એક મહિલા સાથે પણ સંબંધ છે. આ બાબતે પૂછપરછ કરતા આરોપીએ ઝઘડો કર્યો હતો અને પોતાનો મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયો હતો. યુવતી જ્યારે તપાસ કરવા આરોપીના ભગવતીપરા સ્થિત ઘરે ગઈ ત્યારે જાણવા મળ્યું કે તે મકાન ખાલી કરીને નાસી ગયો છે.
પોતાની સાથે છેતરિંપડી અને વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
