ઉત્તરાયણ પહેલા મોટી કાર્યવાહી: વાપી નજીકથી જીવલેણ ચાઇનીઝ દોરી બનાવવાની ફેકટરી પકડાઇ,2.34 કરોડનો મુદ્દામાલ મળ્યો
મકર સંક્રાત, ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરી પર પોલીસની નજર મજબુત બની છે. હવે શહેરો કે તાલુકાઓમાં ક્યાંક ક્યાંક બે, પાંચ, પચ્ચીસ ચાઇનીઝ ફીરકીઓ પકડાઇ રહી છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ મુળ સુધી પહોંચી સંયુક્ત ઓપરેશન હાથ ધરી સાણંદ, બાવળા, આણંદ અને ગેરકાયદે ચાઇનીઝ દોરીના ઉત્પાદન કરતી વાપી નજીક ફેકટરી જ પકડી પાડી છે. 1.81 કરોડથી વધુની કિંમતના ચાઇનીઝ દોરી રીલ, ફીરકીઓ, મશીનરી, વાહન મળી રૂા. 2.34 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. ગીર સોમનાથના ચિત્રાવડના બે શખસો સાણંદમાંથી ચાર, આણંદ બાવયામાંથી પણ કેટલાકની ધરપકડ કરાઇ છે.
કાતિલ ગણાતી કે ગળા પર છરકો પડે તો પણ સીધુ ગળુ કાપી નાખતી કે શરીરના કોઇપણ અંગને ચીરી નાખતી જીવલેણ સાબીત થતી ચાઇનીઝ દોરી (સિન્થેટીક દોરી) પર ગુજરાત ભરમાં પ્રતિબંધ છે. આમ છતાં જાહેરમાં ખાનગી રીતે દુકાનો કે આવા સ્થળોએ વેચાતી જ રહે છે. સંક્રાતિ પર્વને લઇને પોલીસ પણ એલર્ટ બની છે. એવામાં અમદાવાદ રૂરલ એસ.ઓ.જી. દ્વારા સાણંદના રણમલ ગઢ ગામની સીમમાં અમૃતભાઇ રબારીની વાડીએ ઓરડીમાંથી 7.48 લાખની કિંમતની 1872 રીલ સાથે વાડી પરથી ભીખા શાંતિલાલ રાણા, ભરત ઉર્ફે ભોગીલાલ, રાજુ રીખા, અશોક મુળજી ઠાકોર તથા કડીના દોલતરામ ગંગવાણીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :રાજકોટ TDSની મોટી છલાંગ: એક પણ સર્વે વિના 3905 કરોડનું ટેક્સ કલેક્શન, જાણો શું છે TDS
પુછતાંછ તપાસ દરમિયાન અલગ-અલગ દરોડાઓ જે-તે જિલ્લાની સ્થાનિક પોલીસને સાથે રાખી પાડ્યા હતાં. બાવળા નજીકથી ગણેશ કોટન પ્રોસિંગ નામની ફેકટરીમાં દરોડો પાડી 12.90 લાખની 3864 ફીરકી સાથે સમીરશા નબીરશા સુતલાનશા ફકીરને ઝડપી લીધા હતાં. વટામણ ચોકડી નજીકથી જીજે23એડબલ્યુ 4030 નંબરના આઇસરને પકડી પાડી અંદરથી 2400 ફીકરી નીકળતા ગીર-સોમનાથના ચિત્રાવડના ઇરફાન હુશેન બ્લોચ, સમીર યુસુફ પરમારની ધરપકડ કરી હતી.
એક પછી એક કડી મળતા આણંદમાંથી 672 ફીરકી સાથે રશીદશા ઉર્ફે ભુરીયો મહેબુબશા દિવાનને પકડી પડાયો હતો. પ્રતિબંધીત દોરી કયાંથી સપ્લાય થાય છે. ઉત્પાદન કયાં થાય છે તે માટે ઉંડાણ પૂર્વક તપાસમાં મૂળ વાપી નજીક દાદરાનગર હવેલી વિસ્તાર સુધી પહોંચ્યું હતું. આ વિસ્તારમાં આવેલી વંદના પ્રાઇવેટ લીમીટેડ નામની ફેકટરીમાં ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થતું હતું. ફેકટરી પરથી 1.54 કરોડ જેવી કિંમતની 43.192 ચાઇનીઝ દોરીની રીલ મળી આવી હતી. ફેકટરીમાં જ આવી દોરીનું ઉત્પાદન થતું હતું.
ફેકટરી પરની દોરી ઉત્પાદન કરતી 50 લાખ જેવી કિંમતની મશીનરી અંદાજે 52000થી વધુ ફીરકીઓ તેમજ મશીનરી મળી 2.34 કરોડની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ફેકટરીનો માલિક વાપીનો રહેવાસી વિરેન બાબુભાઇ પટેલ પોલીસને હાથ લાગ્યો ન હતો. જેને શોધવા સ્થાનિક પોલીસે દોડધામ આરંભી છે. દોરીનું મટિરિયલ ક્યાંથી આવતું હતું? ચાઇનીઝ દોરી કયાં સપ્લાય થતી હતી? અત્યાર સુધીમાં કેટલી દોરી, રીલ ક્યાં ક્યાં મોકલાવાઇ સહિતના મુદ્દે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
