પ્રાંત-મામલતદાર કચેરીઓમાં સ્વચ્છતા જાળવો-અરજદારોનો આદર કરો
રાજ્યના રેવન્યુ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી જયંતિ રવિએ તમામ જિલ્લા કલેકટરોને ઈ-મેઈલ મારફતે ખાસ સંદેશ આપી મહેસુલી કચેરીઓમાં સ્વચ્છતાની સાથે અરજદારોની કાળજી લઈ આદર કરવા સૂચન કરી તમામ પ્રાંત અને મામલતદાર કચેરીઓનું અધિકારી તરીકે નહીં પણ એક અરજદાર પ્રજા તરીકે અવલોકન કરવા ટકોર કરતા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ રેવન્યુ ઓફિસરનો બેઠકમા તમામ અધિકારીઓ સાથે આ સંદેશો શેર કર્યો હતો.
રેવન્યુ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી જયંતિ રવિએ ઈ-મેઈલમાં જણાવ્યું હતું કે, આપણે આપણા વહીવટી તંત્રને વધુ પ્રતિભાવશીલ, સમાવેશી અને નાગરિક-કેન્દ્રિત બનાવવાનું ચાલુ રાખીએ છીએ. ત્યારે હું તમને એક એવી બાબત જણાવી રહી છું જે જાહેર સેવાના હ્રદયમાં રહેલી છે, દરેક પ્રાંત અને મામલતદાર કચેરી એક એવી જગ્યા પણ છે જ્યાં સરકાર અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ કેળવાઈ છે. આ જગ્યાઓની ભૌતિક સ્થિતિ તેમના પરિસરની સ્વચ્છતા, સ્વચ્છ પીવાના પાણીની ઉપલબ્ધતા અને પ્રતિષ્ઠિત અને
આરામદાયક વેઇટિંગરૂમ પ્રભાવી છાપ અંકિત કરે છે. જાહેર સેવકો તરીકે આપણા નાગરિકોને આપણે કેવી રીતે મહત્વ આપીએ છીએ તેનું આ પ્રતિબિંબ છે. આ ઠક્ત સુવિધાઓ નથી પરંતુ અરજદારો પ્રત્યેની કાળજી અને તેમને આદરની મૂળભૂત અભિવ્યક્તિ છે.
સાથે જ મહેસુલ સચિવ જયંતિ રવિએ તમામ જિલ્લા કલેકટરને વિનંતી સાથે જણાવ્યું હતું કે, તમે તમારા અધિકારક્ષેત્રમાં આવેલી પેટા-જિલ્લા કચેરીઓની મુલાકાત કરી ત્યારે તેને નિરીક્ષણ તરીકે નહીં, પરંતુ સામાન્ય નાગરિકની નજરથી આ જગ્યાઓને જુઓ સાથે જ ફ્રન્ટલાઈન સ્ટાફ સાથે વાત કરો, ખાસ કરીને જે તે કચેરીના વેઇટિંગ એરિયા, પાણી અને શૌચાલય સુવિધાઓ તેમજ સ્વચ્છતા તપાસવા સૂચન કર્યું હતું. જો કે, રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા રેવન્યુ ઓફિસરોની બેઠકમાં આ ઈ-મેઈલને સાર્વજનિક કરી તમામ પ્રાંત-મામલતદારોને મહેસુલ સચિવના સંદેશ અંગે અવગત કરાવી કચેરી વ્યવસ્થાપન અને સ્વછતા અંગે સંદેશ આપ્યો હતો.