હીટવેવની સ્થિતિમાં સવારે 11 વાગ્યા બાદ વીજકાપ મૂકવો નહીં : PGVCLના MD પ્રીતિ શર્માનો આદેશ
છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હિટવેવની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે પીજીવીસીએલ દ્વારા કાળઝાળ ગરમીમાં પ્રજાજનોને તકલીફ ન પડે તે માટે સવારે 11 વાગ્યા બાદ શટડાઉન નહીં કરવા આદેશ આપ્યો છે. સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વીજવિક્ષેપ ન સર્જાય તે માટે અંદાજે 5233 વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારવાની કામગીરી પુરજોશમાં ચાલુ હોવાનું પીજીવીસીએલના એમડી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું.
પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટર પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે, પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં મહેકમ પૂર્ણ કરવા મોટપ્રમાણમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી મોટાભાગની ખાલી જગ્યા ભરી દેવામાં આવી છે જે અંતર્ગત તાજેતરમાં 150 જેટલા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તેમજ 109 જુનિયર ઈજનેરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી લઈ 21 નવા સબ ડિવિઝનનું મહેકમ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
વધુમાં એમી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે, પીજીવીસીએલ હેઠળના 7000થી વધુ વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારવા માટે આરડીએસએસ હેઠળ ટ્રાન્સફોર્મર ઓગ્મેન્ટ કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જે અન્વયે 5233 ટ્રાન્સફોર્મરની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે ઉપરાંત રાજકોટ શહેરમાં ટ્રાન્સફોર્મર ઓગ્મેન્ટ કરવા માટે કુલ ૫૫૫ ટ્રાન્સફોર્મર પસંદ કરવામાં આવ્યા હતા જે પૈકી ૪૭૨ ટ્રાન્સફોર્મર ઓગ્મેન્ટની કામગીરી પૂર્ણ થતા વીજવિક્ષેપનો પ્રશ્ન ભૂતકાળ બનશે તેવું તેમને જણાવ્યું હતું.