ભવ્ય..દિવ્ય..દૈદીપ્યમાન..દીપોત્સવ! આજે દેશભરમાં ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે મનાવાશે દિવાળી
દિવાળી એટલે પ્રકાશનો તહેવાર, આનંદનો ઉત્સવ અને સદાચારના વિજયનું પ્રતીક. આજના દિવસે દેશના કરોડો લોકો અંધકાર ઉપર પ્રકાશના અને અસત્ય ઉપર સત્યના વિજયની ઉજવણી કરશે. આ વખતે પ્રજાને મોંઘવારીમાં થોડી રાહત મળી હોવાથી લાખ્ખો કરોડો રૂપિયાની ખરીદી થઇ છે. આ ખરીદીને લીધે વેપારીઓ અને સામાન્ય પ્રજાજનોના મનમાં ઉત્સાહ અને આનંદ બેવડાયા છે. પાટનગર નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ( ઇન્ડિયા ગેઇટ) પાસે લાખ્ખો દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને આ પ્રકારના આયોજનો દેશના વિવિધ ભાગોમાં પણ થયા હતા. મુખ્ય સમારોહ અયોધ્યામાં પણ થયો હતો અને ત્યાં 26 લાખથી વધુ દીવડા એકસાથે પ્રગટાવીને રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો.
દેશમાં પાંચ દિવસ સુધી આ દીપોત્સવ મનાવવામાં આવે છે અને લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે મીઠાઈ ખાઈને અને ફટાકડા ફોડીને આ પર્વમાં સામેલ થાય છે.
દિવાળી એક જ પર્વ એવું છે જેની ઉજવણી દુનિયાના અનેક દેશોમાં પણ થાય છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, સિંગાપુર, મલેશિયા, શ્રીલંકા, નેપાળ, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, મોરેશિયસ સહિતના અનેક દેશોમાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે આ પર્વની ઉજવણી કરે છે.
આ વખતે સોના-ચાંદીની પણ ધૂમ ખરીદી થઇ છે અને એક જ દિવસમાં 60 હજાર કરોડ રૂપિયાના સોના-ચાંદીનું વેંચાણ થયાનો અંદાજ મુકવામાં આવ્યો છે.
અયોધ્યામાં એકસાથે 26 લાખથી વધુ દીવા પ્રગટ્યા : નવો વિશ્વ વિક્રમ
મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં દરવર્ષે દિવાળીની ઉજવણી ખાસ આકર્ષણ બની રહી છે. ત્યારે આ વરસે ફરી એકવાર ઇતિહાસ રચાયો છે. પ્રભુ શ્રીરામના આગમનની ખુશીમાં રામ કી પૈડી સહિત ૫૬ જેટલા ઘાટો પર એકસાથે 26 લાખ 11 હજાર 101 દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. સરયૂ કિનારે 2100 વેદાચાર્યો દ્વારા મહાઆરતી અને મંત્રોચ્ચારથી અયોધ્યા એક અલગ જ ઉર્જાનો સંચાર થયો હતો . .
અયોધ્યામાં 2017થી આ ઉજવણી થઇ રહી કે અને પ્રથમ વાર આશરે 1.71 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. જયારે આજે 26 લાખથી વધુ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. દીપોત્સવની પહેલી આવૃત્તિથી નવમી આવૃત્તિ સુધી દીવાઓની સંખ્યામાં લગભગ 15 ગણો વધારો થયો છે.
દીપોત્સવની ભવ્યતા અને ભવ્યતા વધારવા માટે, 1100 મેક ઇન ઇન્ડિયા ડ્રોન દ્વારા અયોધ્યાના આકાશમાંથી રામાયણના વિવિધ એપિસોડની મનમોહક ઝલક રજૂ કરવામાં આવી હતી. સ્વદેશી ડ્રોન દ્વારા રામાયણના વિવિધ દ્રશ્યોને આકાશમાં પ્રદર્શિત કરાયા હતા જેમાં “જય શ્રી રામ”, ધનુષ્ય ધારણ કરેલા ભગવાન રામ, સંજીવની પર્વત ધારણ કરતા હનુમાન, રામ સેતુ અને શ્રી રામ જન્મભૂમિ મંદિર જેવા મનમોહક રૂપરેખાઓનો સમાવેશ થતો હતો.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
