માધાપર ઓવરબ્રિજ આવતા સપ્તાહમાં ખુલ્લો મુકાશે
ઐતિહાસિક જામ ટાવરમાં સેલ્ફી ઝોન ઊભો કરાશે: લોકમેળામાંથી રૂ.20 લાખ વપરાશે
રાજ્યપાલ તા.24મીએ ગોંડલમાં: મુખ્યમંત્રી સોમવારે જામકંડોરણા આવશે: સંભવત બ્રિજનુ લોકાર્પણ કરશે
ગાંધી જયંતીથી રાજકોટ જિલ્લામાં હેરિટેજ સ્થળો પર સફાઇ ઝુંબેશ શરૂ કરાશે
રાજકોટના માધાપર ખાતે તૈયાર થઈ ગયેલા ઓવર બ્રિજની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી સપ્તાહમાં રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે બ્રિજનું લોકાપર્ણ કરવા અંગેના ચક્રો વહીવટી તંત્ર દ્વારા ગતિમાન કરાયા છે. દરમિયાન ઓવર બ્રિજની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું અને સર્વિસ રોડનો પ્રશ્ન આગામી દિવસોમાં હલ થઈ જશે તેમ કલેકટર પ્રભવ જોશી પત્રકારોને જણાવ્યું હતું.
ઉપરોક્ત બ્રિજના નામકરણ માટે શહેરીજનો પાસેથી સૂચનો મંગાવવામાં આવે તેવી શક્યતા છે. ઓવર બ્રિજનું નામ કોઈ સૂચવેતો ગાંધીનગર મોકલવામાં આવશે. દરમિયાન તા.24ના રોજ રાજ્યપાલ ગોંડલ ખાતે પ્રાકૃતિક ખેતી અંતર્ગત યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેશે અને તા.25મીએ મુખ્યમંત્રી જામકંડોરણા ખાતેના કાર્યક્રમમાં હાજર રહેશે અને રાજકોટ ખાતે ટુંકુ રોકાણ કરે તેવી શક્યતા છે. એક તબક્કે વહીવટી તંત્ર દ્વારા તા.25ના રોજ મુખ્યમંત્રીના હસ્તે માધાપર ઓવર બ્રિજનું લોકાર્પણ માટેનો સમય માંગવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના જામ ટાવરની અંદર રહેલી ઘડિયાળ શરૂ થાય અને તેમા ડંકા રણકતા થાય તે માટે વહીવટી તંત્ર તરફથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તેના માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. જામ ટાવરની બહારના ભાગમાં સેલ્ફી ઝોન ઊભો કરવામાં આવશે સાથોસાથ જામ ટાવરની આજુબાજુ રંગબેરંગી લાઇટની રોશનીથી જળહળતો કરાશે. તેમ જ રાત્રિ દરમિયાન અંધારાને ધ્યાનમાં રાખીને અને આવારા તત્વોના ત્રાસ દૂર કરવા ફ્લડ લાઇટ પણ મુકાશે. તેમજ આ સ્થળને ફરવા લાયક સ્થળ તરીકે શહેરીજનો ઉમટી પડે તેને ધ્યાનમાં રાખીને ટાવરની બહાર અને અંદરના ભાગમાં બેસવા માટે બાકડાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જો કે હાલ જામ ટાવરની બહારના ભાગમાં પાર્કિંગનું દબાણ છે તેને દૂર કરાશે. અંદરના ભાગમાં ક્યાંય કોઈ દબાણ ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે તેમ કલેકટર પ્રભવ જોશી જણાવ્યું હતું.
રાજકોટના લોકમેળામાંથી થયેલી આવકમાંથી રૂ.20 લાખ જામ ટાવર સહિતના રક્ષિત સ્મારકો પાછળ ખર્ચ કરાશે. જો કે સરકાર તરફથી રૂ.20 લાખની ગ્રાન્ટ હેરિટેજ સ્થળોની જાળવણી માટે આપવામાં આવી જ છે. ટાવરને કેમિકલ ટ્રીટમેન્ટથી અધ્યતન બનાવાશે. રાત્રિના ભાગમાં આ વિસ્તાર સૂમસામ બની જતો હોય સિક્યુરિટી ગાર્ડ રાખવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે. તા.2 ઓક્ટોબરથી રાજકોટ જિલ્લાના રક્ષિત સ્મારકો ઉપર સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમ કલેકટરે જણાવ્યું હતું.