વધુ એક ગ્રીષ્મા કાંડ ?? સુરતના માંગરોળમાં પ્રેમીપંખીડા ગળુ કપાયેલી હાલતમાં રસ્તા પર મળ્યાં, યુવતીનું મોત
સુરતના માંગરોળમાં ગ્રીષ્માકાંડ જેવી હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે જેમાં પ્રેમીયુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં યુવતીનું મોત નિપજ્યું છે. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના ગળા પર ગંભીર ઘા થયો હોવાના કારણે તે હાલ બોલી પણ શકતો નથી. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ નજીકની છે જ્યાં વાંકલ-બોરિયા માર્ગ પર યુવકે યુવતીનું ચપ્પુ પડે ગળું કાપી નાખ્યું હતું. જેના પગલે યુવતીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. યુવતીને પી.એમ અર્થે માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ છે. જ્યારે યુવતીને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવકે પોતાનું ગળું કાપ્યું હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે. જો કે આ મામલે પોલીસ દ્વારા હજુ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. બંનેએ એક બીજાનું ગળું કાપ્યું કે પછી આ ઘટના પાછળ કોઈ ત્રીજા વ્યક્તિનો હાથ છે તે બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
યુવક નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વરનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે યુવકને વધુ સારવાર અર્થે સુરત સિવિલ ખસેડાયો છે. જ્યારે યુવતીનું નામ તેજસ્વીની એન ચૌધરી (ઉં.20) હોવાનું જાણવા મળી રહ્યું છે. તે વાંકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાની માહિતી છે.

આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, આજે સવારે 9 વાગ્યે માંગરોળ પોલીસ સ્ટેશનના વાંકલ ગામની 500 મીટર અંદર રસ્તા ઉપર 20થી 25 વર્ષની ઉંમરના યુવક અને યુવતીને ગળાના ભાગે ઈજા થઈ હોવાની હકિકત મળતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે યુવકને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો છે. બન્ને એકબીજાથી પરિચીત હતા. હાઈસ્કૂલમાં સાથે ભણતા હતા. યુવતી કોલેજમાં હતી, જ્યારે યુવક બીજું કંઈક કામ કરતો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘટનાનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે. હાલ ઘટના સ્થળ પર ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવી નથી.