યુવતીને પ્રેમલગ્ન ભારે પડયા : રાજકોટમાં પુત્રવધૂ પર નજર બગાડી સસરાએ તેના બેડરૂમમાં કેમેરા ફિટ કરાવ્યા ! પતિ સહિત 4 સામે ફરિયાદ
રાજકોટના કાલાવડ રોડ પર કેકેવી સર્કલની બાજુમાં આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં રહેતી અને ખાનગી બેન્કમાં કેશિયર તરીકે નોકરી કરતી યુવતીને પ્રેમલગ્ન કરવા ભારે પડી ગયા હોય તેવી રીતે પતિ સહિતના સાસરિયા દ્વારા અનહદ ત્રાસ આપવા ઉપરાંત ખુદ સસરાએ નજર બગાડી બેડરૂમમાં સીસીટીવી કેમેરા ફિટ કરાવ્યા હોવાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો.
આ અંગે મીરાબેન રોનક ભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમના રોનક ચાવડા સાથે 2022માં પ્રેમસંબંધ બાદ લગ્ન થયા હતા. થોડા સમય બાદ જ સાસુ-સસરા, બે નણંદ સહિતે નાની-નાની વાતોમાં ઝઘડો શરૂ કરી ‘આ ઘરમાં બ્રાહ્મણ જ્ઞાતિના તમારા પિયરના રીત-રિવાજ નહીં ચાલે, અમારા ઘરના જ નિયમ ચાલશે’ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ પછી ‘તું કામચોર છો’ સહિતના વેણ કહી ઝઘડો શરૂ કર્યો હતો. આટલું ઓછું હોય તેમ તું દહેજમાં કંઈ લાવી નથી, માતા-પિતા પાસે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ લાવવા દબાણ શરૂ કર્યું હતું. એક વખત મીરાંબેનના માતા ઘેર આવ્યા ત્યારે પતિ રોનકે તેમને પણ ઘેર આવવાનું ના પાડી દીધી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં સતત બીજા વર્ષે મનપાના ત્રણ ગ્રાઉન્ડમાં પ્રાઇવેટ મેળો નહીં ભરાય : કડક SOP નડી ગઈ, આયોજકોમાં ઉદાસીનતા
પતિ રોનકને દારૂ પીવાની ટેવ હોય તે વારંવાર નશો કરીને ઘેર આવતો હતો અને મીરાંબેનને માર મારતો હતો. સાસુ-સસરા જ્યારે બહારગામ જાય ત્યારે ઘરના દરવાજે લોક મારી દેતા અને મીરાબેન જ્યારે નોકરી પરથી ઘેર આવે ત્યારે દરવાજો ખોલતા ન હોય પોલીસની મદદ લેવી પડતી હતી. સાસુ-સસરા મીરાંબેનના સોનાના દાગીના તેમજ ડોક્યુમેન્ટ પણ લઈ લીધા હતા.
આ પણ વાંચો : આવક ટૂંકીને ખર્ચ ‘તગડો’ : રાજકોટ સહીત રાજ્યભરમાં આવકવેરાની ઢગલાભર નોટિસ નીકળતા ગભરાટ
મીરાંબેન જ્યારે ઘરમાં એકલા હોય ત્યારે સસરા રમેશ ચાવડા નજર બગાડી અભદ્ર વર્તન કરતા અને મીરાંબેનના બેડરૂમમાં કેમેરા પણ ફિટ કરાવ્યા હતા. સસરાએ અખબારમાં મીરાંબેનના પતિ રોનક સાથે કોઈ સંબંધ નથી તેવી જાહેરાત પણ આપી હતી. જો કે પતિ રોનક મીરાંબેન ઘેર ન હોય ત્યારે આવતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. નણંદ પણ વારંવાર સસરા તેમજ પતિને ચડામણી કરતા હોય સાસરિયાઓ અમાનુષી સીતમ ગુજારતા હોવાની ફરિયાદ કરતા પોલીસે પતિ રોનક ચાવડા, સસરા રમેશ ચાવડા, સાસુ સુધાબેન, નણંદ હિરલ અને બિજલ સામે ગુનો નોંધ્યો હતો.
