સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : આજે 38.86 લાખ મતદારો નક્કી કરશે 5084 ઉમેદવારોનું ભાવિ ; કોણ જીતશે, કોણ હારશે… સાંજથી સરવાળા-બાદબાકીના ગણિત મંડાશે
જૂનાગઢ મહાનગર પાલિકા સહિત રાજ્યમાં 66 નગરપાલિકાઓની સામાન્ય અને બે નગરપાલિકાની પેટા ચૂંટણી તેમજ જિલ્લા-તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓમાં આજે 38.86 લાખથી વધુ મતદારો ચૂંટણી લડી રહેલા 5084 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ કરશે. આજે મતદાન બાદ 18મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.
રાજ્યની 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 461 વોર્ડની 1844 બેઠકો માટે તેમજ વાંકાનેર અને બોટાદ એમ 2 નગરપાલિકાઓના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. સાથે જ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 15 વોર્ડની 60 બેઠકો માટેની સામાન્ય ચૂંટણીમાં અગાઉ 12 બેઠકો બિનહરીફ થઇ હોય આજે 48 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી મહાનગરપાલિકાઓની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણીઓ માટે પણ આજે મતદાન થશે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં મીની વિધાનસભા ચૂંટણી જેવા માહોલમાં કુલ 38લાખ 86હજાર 285 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થનાર છે. નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીમાં 213 બેઠક બિનહરીફ જાહેર થઇ ચુકી છે. ચૂંટણી માટે કુલ 7,036 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા. જેમાંથી 1,261 ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર થયા હતા. કુલ 5,775 ઉમેદવારી પત્ર માન્ય જાહેર થયા હતા. કુલ 213 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થતા હાલ 5,084 ઉમેદવારો મેદાનમાં છે.બીજી તરફ મતદાન પૂર્ણ થયા બાદ સ્થાનિક રાજકીય પંડિતો દ્વારા કોણ જીતશે અને કોણ હર્ષેના સરવાળા-બાદબાકીના ગણિતો પણ મંડાશે જેમાં આગામી 18મીએ મતગણતરી બાદ મીની વિધાનસભા જેવી ચૂંટણીના પરિણામ સ્પષ્ટ બનશે.
રાજકોટની પાંચ પાલિકાના 469 ઉમેદવારોના ભાવિનો થશેબા ફેંસલો
રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત રાજકોટ જિલ્લામાં આજે જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર અને જસદણ નગરપાલિકામાં ચૂંટણી મેદાનમાં ઉતરેલા 469 ઉમેદવારોના ભાવિનો આજે 2.78 લાખ મતદારો ફેંસલો કરશે, રાજકોટ જિલ્લાની તમામ પાંચ પાલિકા અને તાલુકા પંચાયતની 6 બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણીતંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લઈ પેરામિલ્ટ્રી ફોર્સના બંદોબસ્ત વચ્ચે આજે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.