ગોવાથી મંગાવેલો દારૂનો જથ્થો ત્રણ શખસો ગોડાઉનમાં મૂકતાં હતા ત્યારે પોલીસ ત્રાટકી : ગોડાઉન માલિકની શોધખોળ
વોઇસ ઓફ ડે હાલોલ
હાલોલ રૂરલ પોલીસે માસવાડ GIDCના એક ઔદ્યોગિક ગોડાઉનમાંથી 900 પેટી જેટલા વિદેશી દારૂ સાથે રાજસ્થાનના ત્રણ શખસોને ઝડપી પાડ્યા છે. ગોડાઉન ભાડે રાખી તેમાં ગોવાથી દારૂનો જથ્થો લાવીને અત્રે ઉતારવામાં આવી રહ્યો હતો. ત્યારે પોલીસ ત્રાટકી હતી. અને દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
હાલોલ રૂરલ પોલીસને અઠવાડિયામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં ત્રીજી સફળતા મેળવી છે. હાલોલના માસવાડ GIDCમાં આવેલા એક ગોડાઉનમાં વિદેશી દારૂ ઉતરી રહ્યો હોવાની બાતમી હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર એ જાડેજાને મળતાં તેઓ તેમની ટીમ સાથે મસવાડ GIDC પહોંચ્યા હતા. બાતમીવાળી જગ્યાએ છાપો મારતાં ગોડાઉનમાંથી બે શખસો પોલીસ જોઈને ભાગી છૂટ્યા હતા અને એક શખસ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
પોલીસે ગોડાઉનમાં તપાસ કરતાં એક કન્ટેનરમાં ગોવાથી આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે ઝડપાયેલા શખસની પૂછપરછ કરતાં તે ડ્રાઈવર હોવાનું અને આ ગોડાઉન દારૂના ધંધા માટે ભાડે રાખવામાં આવ્યું હોવાથી તેઓ અહીં વિદેશી દારૂનો જથ્થો ઉતારવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી. અન્ય બે ભાગી છૂટેલા ઈસમો મજૂરો હતા. જેનો પીછો કરીને પોલીસે બંનેને પકડી પાડ્યા હતા.આમ પોલીસે દારૂના જથ્થા સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવાથાના તાલુકામાં આવેલ બામરલા ગામના કમલેશ ભારમલરામ પૂડીયા, રાકેશકુમાર પૂનમારામ બગુંડા અને અણદારામ હેમારામ ચાકડને પકડી 900 પેટી જેટલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કર્યો છે.