લાયસન્સ-PUC કાયદેસર હશે પણ હેલ્મેટ નહીં હોય એટલે દંડાશો ! ટુ-વ્હીલર ચાલકને દંડરૂપી ચાબુકથી ‘ઘાયલ’ કરવા પોલીસે હથિયાર સજાવી લીધું
સોમવારે એક જ દિવસમાં હેલ્મેટ પહેર્યા વગરના 3500 લોકોને `વધેરી’ નાખ્યા બાદ ક્યારેય ન થયો હોય તેવો વિરોધ રસ્તા ઉપર તેમજ સોશ્યલ મીડિયા ઉપર થતાં તેના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા હતા. લોકોના રોષને પારખી જઈ શાણા શાસકોએ બીજા જ દિવસે એટલે કે મંગળવારે પોલીસને હેલ્મેટ મુદ્દે રૂકજાવ’નો આડકતરો નિર્દેશ આપી દેતા દંડરૂપી રોકડ કે ઈ-મેમોને બદલે ગુલાબ આપવાનું શરૂ થઈ ચૂક્યું હતું. એકંદરે સોમવારે જે પ્રકારે કાર્યવાહી કરાઈ તેવી કાર્યવાહી હવે કદાચ જોવા નહીં મળે પરંતુ એ વાતનો મતલબ એવો નથી કે હેલ્મેટ નહીં પહેર્યું હોય એટલે પોલીસ દંડશે જ નહીં ! હવે ટુ-વ્હીલર ચાલક પાસે લાયસન્સ-પીયુસી હશે, કાયદેસર નંબર પ્લેટ હશે પરંતુ હેલ્મેટ નહીં પહેર્યું હોય એટલે 500 રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી જ પડશે !

આ અંગે ડીસીપી (ટ્રાફિક) ડૉ.હરપાલસિંહ જાડેજાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફરજિયાત હેલ્મેટનું પાલન કરાવવા એક સાથે મેગા ડ્રાઈવ કરવામાં નહીં આવે પરંતુ એવા ટ્રાફિક પોઈન્ટ કે જ્યાં નિયમિત ટ્રાફિક પોલીસ તૈનાત રહે છે ત્યાં તો હેલ્મેટનું ચેકિંગ ચાલું જ રહેશે અને હેલ્મેટ નહીં પહેર્યું હોય તો દંડની વસૂલાત કરવામાં આવશે જ !

હવે આ વાતનો મતલબ એ જ થાય કે કિસાનપરા, માધાપર ચોકડી, નાનામવા સર્કલ, આજી ડેમ ચોકડી, વિરાણી ચોક સહિતના પોલીસે નક્કી કરેલા ટ્રાફિક ચેકિંગ પોઈન્ટ કે જેને શહેરીજનો `કમાઉ’ પોઈન્ટ તરીકે પણ સંબોધે છે ત્યાં પોલીસ ઉભી રહીને લાયસન્સ, પીયુસી, નંબરપ્લેટ સહિતનું ચેકિંગ તો કરશે જ સાથે સાથે અત્યાર સુધી જે નિયમમાં બાંધછોડ કરવામાં આવતી હતી અને ધરાર દંડ ઉઘરાવાતો ન્હોતો તેવું હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તેનો દંડ પણ ઉઘરાવી લેશે. એકંદરે પોલીસે હવે દંડરૂપી `ચાબુક’થી લોકોને ઘાયલ કરવા માટે આ પ્રકારે હથિયાર સજાવી જ લીધું છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. આટલું ઓછું હોય તેમ સ્થાનિક પોલીસ મથક દ્વારા પણ ગમે ત્યારે ચેકિંગ કરી દંડ ઉઘરાવી લેવામાં પણ આવશે જે બાબત પણ નોંધનીય છે.

ત્રણ દિવસમાં હેલ્મેટ ન પહેર્યું હોય તેવા કેટલા લોકોને ઈ-મેમો અપાયો ? ડીસીપીનું ઉહું !
વોઈસ ઓફ ડે’ દ્વારા ડીસીપી (ટ્રાફિક) ડૉ.હરપાલસિંહ જાડેજાને એમ પૂછવામાં આવ્યું કે ત્રણ દિવસની અંદર મતલબ કે સોમવારથી બુધવાર સુધીમાં હેલ્મેટ ન પહેર્યું હોય તેવા કેટલા લોકોને ઈ-મેમો આપવામાં આવ્યો ? આ અંગે તેમણે એવો જવાબ આપ્યો હતો કે દંડના આંકડા જાહેર કરવાથી કશો ફાયદો નહીં થાય ! આજે (બુધવારે) કેટલા બધા લોકો હેલ્મેટ પહેર્યા વગર ફરી રહ્યા છે ત્યારે હેલ્મેટ પહેરવું જરૂરી છે નહીં કે આંકડા જાહેર કરવા…!
