કામ ઓછું, ખર્ચ વધારે : રાજકોટના કનક રોડ પર નવું ફાયર સ્ટેશન બનાવવા ‘શંકાસ્પદ’ ભાવ, જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટમાં TRP ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સ્ટેશન તેમજ ફાયર સ્ટાફને મજબૂત બનાવવા એક બાદ એક દરખાસ્તને મંજૂરી આપવામાં આવી રહી છે ત્યારે રાજકોટના સૌપ્રથમ એવા કનક રોડ ફાયર સ્ટેશનને પાડીને તેના સ્થાને નવું સ્ટેશન બનાવવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત આવી હતી પરંતુ અહીં કામ ઓછું અને ખર્ચ વધુ હોવાને કારણે શાસકોને ભાવ `શંકાસ્પદ’ જણાયો હોવાથી રિ-ટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે થોડા સમયની અંદર કમિટી દ્વારા વોર્ડ નં.2માં બજરંગવાડી ખાતે 2504 રૂપિયા પ્રતિ ચોરસફૂટ, વોર્ડ નં.17ના વિરાટનગરમાં 2766 રૂપિયા પ્રતિ ચોરસફૂટ તેમજ મવડીમાં 2202 રૂપિયા પ્રતિ ચોરસફૂટ લેખે ફાયર સ્ટેશન બનાવવાના કામની દરખાસ્તને મંજૂરી આપી હતી. જો કે કનકનગરના ફાયર સ્ટેશન પાછળ 2981 રૂપિયા પ્રતિ ચોરસફૂટ ભાવ આવ્યો હતો જે ખર્ચના અંદાજ કરતા 16.74% વધુ છે.
વળી, અન્ય ફાયર સ્ટેશનની તુલનાએ અહીં જમીનનું ક્ષેત્રફળ પણ ઓછું છે સાથે સાથે ફ્લેટ સહિતની સુવિધા પણ આપવાની ન હોવા છતાં આટલો બધો ખર્ચ વ્યાજબી જણાતો ન હોય ટૂંકા ગાળાનું ટેન્ડર કરી કામ આપવામાં આવશે. વળી, કનક રોડ ફાયર સ્ટેશનમાં અગાઉ ત્રણ માળનું સ્ટેશન જ બનવાનું હતું પરંતુ હવે તેની જગ્યાએ સ્ટાફ માટે ફ્લેટ બનાવવા માટે નવેસરથી ડિઝાઈન તૈયાર કરવા પણ આદેશ અપાયો છે.
