રાજકોટના કુવાડવા રોડ પર મોડી રાત્રે સર્જાયો અકસ્માત : એસટી બસ પલટી જતાં 6 મુસાફરો ઇજાગ્રસ્ત
રાજ્ય અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના રાજકોટમાં સામે આવી છે જેમાં મોડી રાત્રે એસટી બસ પલટી જતાં 8 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ ઇજાગ્રસ્ત મુસાફરોને રજા આપવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર આ ઘટના ઉંડવા માંડલી (મેઘરજ) બોર્ડરથી-જામખંભાળીયા રૂટની બસ ગત મોડી રાત્રે કુવાડવા રોડ ઉપર બની હતો જ્યાં સાત હનુમાન મંદિર પાસે પલટી ખાઈ જતા મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. આ ઘટનામાં મુસાફરોને ઈજા પહોંચી હોવાથી તાત્કાલિક રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્ત મુસાફરોની યાદી
- કંડકટર મોડાસાના ડાવલી ગામના નરેન્દ્રભાઇ નાનજીભાઇ (ઉ.વ.૪૯),
- મુસાફર પંકજ કાળુભાઇ આસારી (ઉ.વ.૨૩),
- અમદાવાદના શોભાબેન અશોકભાઇ (ઉ.વ.૫૫),
- જામ ખંભાળીયાના શ્યામ દિલીપભાઇ વાયા (ઉ.વ.૨૧),
- દેવભુમિ દ્વારકાના ભાટીયા ગામના ચેતન કનુભાઇ (ઉ.વ.૨૮)
- માલપુર માનવાવના ભરત સુરમાભાઇ બારૈયા (ઉ.વ.૨૯)
જો કે તમામને નજીવી ઇજાઓ હોઇ પ્રાથમિક સારવાર બાદ રજા લીધી હતી. તેમ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ તબિબી અધિક્ષક ડો. હેતલ કયાડાએ જણાવ્યું હતું. આ અંગે પોલીસ કેસ જાહેર થયો નહોતો. તમામને ૧૦૮ મારફત સારવાર માટે ખસેડાયા હતાં.
બનાવની જાણ થતાં કુવાડવા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને બસને સાઇડમાં લેવા તજવીજ કરી હતી. આગળ ટ્રક જતો હોઇ તેની પાછળ બસ હતી. રોડ પર ડિવાઇડરના પથ્થર આવતાં ટ્રકવાળાએ ટર્ન લઇ લીધો હતો, પણ પાછળ જ બસ હોઇ તેના ચાલકનું ધ્યાન ન જતાં પથ્થર સાથે અથડાઇને પલ્ટી મારી રોંગ સાઇડમાં બસ જઇ પડી હતી. સદ્દનસિબે કોઇને ગંભીર ઇજા પહોંચી નહોતી.