વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કમલેશ મીરાણી-જયેશ રાદડિયા નક્કી કરશે
આગામી 19 જૂને ગુજરાતની બે વિધાનસભા બેઠકો જેમાં વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણી યોજાવાની જાહેરાત થતાં જ રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે. વિસાવદરની વાત કરવામાં આવે તો અહીં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિ-પાંખિયો જંગ થવાની શક્યતા છે ત્યારે `આપ’ દ્વારા ઘણા સમય પહેલાં જ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવાયા બાદ હવે ભાજપ અને કોંગ્રેસ ના મુરતિયા નક્કી કરવા માટે પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ દ્વારા વિસાવદર બેઠક ઉપર ઉમેદવાર નક્કી કરવાની જવાબદારી રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ કમલેશ મિરાણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા સહિતને સોંપી છે.
પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ દ્વારા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટરી માટે પ્રભારી તરીકે કમલેશ મિરાણી, જયેશ રાદડિયા ઉપરાંત સંયોજક તરીકે જૂનાગઢ જિલ્લાના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ ભરત વડાલિયા અને સહ સંયોજક તરીકે પૂર્વ જિલ્લા મંત્રી-જૂનાગઢના નરેન્દ્ર કોટિલાને જવાબદારી સોંપી છે. આ જ રીતે કડી બેઠકની પેટા ચૂંટણી માટે પ્રભારી તરીકે પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલ તેમજ દશરથજી ઠાકોર, સંયોજક તરીકે વિનોદ પટેલ અને સહ સંયોજક તરીકે હિમાંશુ ખમારની પસંદગી કરવામાં આવી હતી.
બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પુંજા વંશ, ઈન્દ્રનીલ રાજગુરુ, વશરામ સાગઠિયા તેમજ પરેશ ધાનાણીને વિસાવદર બેઠકના ઉમેદવાર નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠક ઉપર 19 જૂને મતદાન અને 23 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.