જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો આદેશ કરનાર ન્યાયાધીશ દીવાકરની બદલી
જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરવાનો આદેશ આપનાર બરેલીના ડિસ્ટ્રિક્ટ જજ રવિ કુમાર દીવાકરની ચિત્રકૂટ ડીસ્ટ્રીક કોર્ટમાં બદલી કરવામાં આવી હતી.શુક્રવારે અલ્હાબાદ હાઇકોર્ટે ન્યાયતંત્રમાં મોટે પાયે બદલીઓ કરી હતી અને તેમાં અનેક વિવાદાસ્પદ ચુકાદાઓ આપનાર અને ટિપ્પણી કરનાર ન્યાયાધીશ રવિ કુમાર દીવાકર નો વારો પણ આવી ગયો હતો.
અલ્હાબાદ હાઇકોર્ટે કુલ 582 જ્યુડિશિયલ અધિકારીઓની બદલીઓ કરી હતી. તેમાં 236 એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ, 217 સિવિલ જજ સિનિયર ડિવિઝન અને 139 સિવિલ જજ જુનિયર ડિવિઝન નો સમાવેશ થાય છે. સૌથી વધારે કાનપુરમાંથી 13 અલીગઢ માંથી 11 અને બરેલીમાંથી પાંચ ન્યાયાધીશોની બદલી કરવામાં આવી હતી.
જજ રવિ કુમાર દીવાકરે જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો. તેઓ તેમના ચુકાદામાં હિન્દુ ધાર્મિક ગ્રંથ ની વાર્તાઓ દ્રષ્ટાંતો તેમજ રામચરિત માનસ અને ભગવત ગીતાના અવતરણો ટાંકવા માટે પ્રખ્યાત છે. મુસ્લિમ ધર્મગુરુ મૌલાના તકદીર રજા સામે બિનજામીન લાયક વોરંટ જારી કરવા બદલ તેઓ વધુ જાણીતા બન્યા હતા. તેમણે તેમના ચુકાદાઓમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભરપુર પ્રશંસા કરી તેમને આધુનિક યુગના ફિલોસોફર કિંગ ગણાવ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારે લવ જિહાદ નામનો કોઈ શબ્દ જ ન હોવાની હાઈકોર્ટમાં કરેલી એફિડેવિટ છતાં જજ દીવાકરે તેમના ચુકાદામાં લવ જિહાદ પર પ્રહારો કર્યા હતા અને એ જિહાદ માટે વિદેશી ભંડોળ મળતું હોવાનું જણાવ્યું હતું. તેમણે રાજકારણીઓની તુષ્ટીકરણની નીતિને કારણે દેશમાં કોમી તોફાનો થતા હોવાનું એક ચુકાદામાં જણાવ્યું હતું. જોકે હાઈકોર્ટે બાદમાં આ ટિપ્પણીઓ દૂર કરી હતી. ભારત ધર્મનિરપક્ષેપ રાષ્ટ્ર છે અને સેક્યુલર બંધારણ ધરાવે છે ત્યારે ન્યાયાધીશ તરીકે ચુકાદાઓમાં ધાર્મિક ઉદાહરણો ટાંકી શકાય કે કેમ તે અંગે કાનૂની વર્તુળોમાં પણ વિવાદ થતો રહ્યો છે.