જસદણ છ વર્ષની બાળકી પર દુ*ષ્કર્મનો મામલો: નરાધમનો ચહેરો વિડીયો સ્ક્રીન ઉપર આવ્યો’ને બાળકીએ ઓળખી બતાવ્યો
જસદણ તાલુકામાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને જાતીય અત્યાચારના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ફરિયાદના 40 જ દિવસમાં કેસ ચલાવીને આરોપીને ફાંસીની સજા ફટકારી તેમાં રાજકોટ જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર, સરકારી વકીલ અને ન્યાયાલયના સંયુક્ત પ્રયાસોથી આ કેસની ટ્રાયલ ઝડપથી ચલાવી દાખલારૂપ કામગીરી કરવામાં આવી છે.
જસદણ તાલુકામાં છ વર્ષ આઠ માસની બાળકી સાથે જાતીય દુર્વ્યવહારની એફ.આઈ.આર. 40 દિવસ અગાઉ દાખલ થઈ હતી. એ પછી રેન્જ આઈ.જી. અશોક યાદવની સૂચના મુજબ, જિલ્લા પોલીસ વડા વિજયિંસહ ગુર્જરના નેતૃત્વમાં પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી હતી. સી.સી.ટી.વી. કેમેરા, હ્યુમન સોર્સિસ તથા ટેક્નિકલ સોર્સિસથી આરોપીની શોધ હાથ ધરાઈ અને વિવિધ ટીમોએ કામે લાગી 200 શકમંદોની પૂછપરછ કરીને મુખ્ય આરોપી રેમસીંગ ઉર્ફે રામસીંગ તેરસીંગ ડુડવા (ઉ.32, ધંધો મજૂરી, રહે. કાનપર ગામની સીમ)ની અટકાયત કરી હતી. ધોરાજી એ.એસ.પી. સીમરન ભારદ્વાજ અને તપાસ ટીમોએ આરોપી તથા પીડિતાના મેડિકલ ટેસ્ટ તથા અન્ય જરૂરી રિપોર્ટ ટૂંક સમયમાં જ મેળવ્યા હતા અને પોલીસે 12 જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
બીજી તરફ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ-જિલ્લા કલેક્ટરડૉ. ઓમ પ્રકાશે આ કેસમાં જસદણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કમ મામલતદાર આઈ.જી. ઝાલાને આરોપીની ઓળખ પરેડ સહિતની કામગીરી સત્વરે હાથ ધરીને કેસને આગળ વધારવા જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. જે મુજબ, જસદણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. આ અંગે જસદણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કમ મામલતદાર આઈ.જી. ઝાલાના જણાવ્યા પ્રમાણે, આ કેસ ઘણી રીતે પડકારરૂપ હતો અને ઘણી બાબતો પ્રયોગાત્મક અને પ્રથમવાર થઈ છે.
આ પણ વાંચો :પોલીસનો RMCને જવાબ, અમારા પાસે હાલ પૈસા નથી, આવતાં વર્ષે વેરો ભરશુ! મહાપાલિકા સરકારી તંત્ર સામે ચૂપ
ઘટના પછી બાળકી એકદમ ડરી ગયેલી, ગભરાયેલી હતી. બાળકીને વાંચતા, લખતા નથી આવડતું તેમજ તે રંગ કે સંખ્યા ઓળખી શકતી નથી. બાળકી કોર્ટ સમક્ષ જુબાની નહોતી આપી શકતી. આ સ્થિતિમાં આરોપીની ઓળખ પરેડ મુશ્કેલ હતી.
આથી કોર્ટમાં જ વલ્નરેબલ વિટનેસ સેન્ટરમાં ઓળખ પરેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળ માનસને ધ્યાનમાં રાખતા બાળકીને માતા સાથે સાચવીને, પૂરી કાળજી સાથે લાવવામાં આવી હતી. જ્યાં આરોપીને બીજા રૂમમાં બેસાડીને અન્ય રૂમમાં વીડિયો સ્ક્રીન મારફત બાળકીને બતાવવામાં આવ્યો હતો અને બાળકીએ વીડિયો સ્ક્રીન પર આંગળી મુકીને આરોપીની ઓળખ કરી હતી. એ પછી રૂબરૂ ઓળખ માટે સમાન વર્ણનવાળા સાત આરોપીને કોર્ટ પરિસરમાં લવાયા હતા. જો કે બાળકી સીધી આરોપી સામે આવતા ગભરાઈ જતી હતી. આથી સાતેય શકમંદના હાથમાં એક-એક રમકડું આપવામાં આવ્યું હતું. એ પછી બાળકીને ક્યા રમકડાવાળા માણસે તેને હેરાન કરી? એ પ્રકારે પૂછપરછ કરીને આરોપીની ઓળખ કરવામાં આવી હતી. બાળકીએ રમકડાં સાથેના
માણસોને જોઈને, બધામાંથી આરોપીને ઓળખી બતાવ્યો હતો.
ન્યાયિક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે કોર્ટમાં પૂરતી લાઇિંટગ વચ્ચે સાંજે ઓળખ પરેડ કરી લેવામાં આવી હતી.
એક રીતે તો, આ કામગીરી એક ઓપરેશન સમાન જ હતી.
કેસ ઝડપથી ચલાવવા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા તથા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર પી.કે. પટેલ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી. આ કેસમાં ત્રીજા એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ (પોક્સો કોર્ટ) જજ વી.એ. રાણા સમક્ષ રોજે-રોજ કેસ ચલાવવામાં આવ્યો હતો. એ પછી ચાર્જશીટના 29 દિવસમાં તથા એફ.આઈ.આર.ના 40 દિવસમાં જ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.
જિલ્લા કલેક્ટરડૉ. ઓમ પ્રકાશે આજે સંકલનની મિટિંગમાં જસદણ મામલતદાર આઈ.જી. ઝાલા તથા તેમની ટીમ, જિલ્લા પોલીસવડા વિજયિંસહ ગુર્જર તેમજ સંકલનમાં કામગીરી કરનારા તમામને બિરદાવ્યા હતા. જિલ્લા કલેક્ટરએ આ કેસમાં હાથ ધરાયેલી ઝડપી ન્યાયિક પ્રક્રિયાને એક કેસ સ્ટડી સમાન ગણાવ્યો હતો. જો ખંત અને સમર્પણભાવ હોય તો પડકારો વચ્ચે પણ કોઈપણ કામ કેવી રીતે આગળ વધારીને પૂર્ણ કરી શકાય તેના માટે આ કેસમાં થયેલી કામગીરીને તેમણે ઉદાહરણરૂપ ગણાવી હતી.
