તહેવારો પૂર્વે બુટલેગરોની કમ્મર તોડી નાંખી હોય તેમ જસદણ પોલીસે દેવપરા ગામની સીમમાં સપાટો બોલાવ્યો છે. અને રૂ.7 લાખનો દારૂ ભરેલ કન્ટેનર સાથે ત્રણ શખ્સોને પકડી કુલ રૂ.33 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે દારૂનો જથ્થો મંગાવનાર ચોટીલાના અને મોકલનાર હરિયાણાના શખસની શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જસદણ પોલીસ મથકના પીઆઈ ટી.બી.જાનીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાથેના કોન્સ્ટેબલ ભાવેશભાઇ, અશોકભાઇ, અનીલભાઇ અને હરેશભાઇને ચોટીલાના ગુંદા ગામના રાજુ શીવા પરાલીયાએ બહારથી ટ્રક કન્ટેનરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવ્યો અને તે દેવપરા ગામની સીમમાં વડલી તરફ જવાના કાચા રસ્તે કટિંગ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી કન્ટેનરની અંદર ચેક કરતા વચ્ચેના ભાગે અન્ય સામાનની આડમાં અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની પેટીઓ મળી આવી હતી.
જેથી ડ્રાઇવરનું નામ પુછતા ઝબરસીંગ ગોવિંદસિંહ રાઠોડ (ઉ.વ.40) (રહે.રાજેસ્થાન) તેમજ અંદર બેસેલ શખસનું નામ પુછતા રણજીત વિહા પરાલીયા (ઉ.વ.25), (રહે.ચોટીલા) અને ત્રીજાએ પોતાનું નામ મહેશ જીવન હીરપરા (ઉ.વ.39),(2હે, જસદણ) હોવાનું જણાવ્યું હતું.બાદમાં દારૂ ભરેલ કન્ટેનર પોલીસ મથકે લાવી દારૂના જથ્થાની ગણતરી કરતાં દારૂની 138 પેટી, 1656 બોટલ મળી આવતાં પોલીસે કુલ રૂ.7.02 લાખનો દારૂ, ટ્રક અને રોકડ મળી કુલ રૂ.33 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની પૂછપરછ કરતાં દારૂનો જથ્થો હરીયાણાથી રાકેશ ઉર્ફે રીંકુ અને પ્રધાનજી મોકલ્યો હતો. અને ચોટીલાના રાજુ પરાલીયાને આપવાનો હોવાની કબૂલાત આપતા તેની શોધખોળ કરી છે.