જામનગરની દીકરી ટેલિવિઝન પર ચમકી : ગુજરાતી સિરિયલ ‘કંકુ રંગ પારકો’માં ‘કંકુ’ બની આર્શવી જોશીએ મચાવી ધૂમ
જામનગર પંથકના સડોદર ગામના વતની જોશી પરિવારની આર્શવી જોશીએ પોતાના અભિનય કૌશલ્યથી ટેલિવિઝન જગતમાં એક નવું સ્થાન બનાવ્યું છે. તાજેતરમાં ‘કલર્સ ગુજરાતી’ પર શરૂ થયેલી લોકપ્રિય સિરિયલ ‘કંકુ રંગ પારકો’માં ‘કંકુ’ તરીકે મુખ્ય ભૂમિકા ભજવીને આર્શવીએ જામનગરને કલાક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે.

સડોદરના શ્રી રામ મંદિરના પૂજારી અને સંચાલક જનકરાય શાંતિલાલ જોશી ‘જનક અદા’ની પૌત્રી અને શહેરના જાણીતા જ્યોતિષાચાર્ય નિયતિ જ્યોતિષ કાર્યાલયવાળા હિમાંશુભાઈ જોશીની ભત્રીજી તેમજ દુબઈ સ્થિત હિતેશભાઈ જોશી અને મુંબઈ સ્થિત દીપાબેન જોશીની પુત્રી આર્શવીએ છત્તીસગઢના રાયગઢ અને મહારાષ્ટ્રના પૂણેમાંથી ઉચ્ચ અભ્યાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. પૂણેની ખ્યાતનામ નાટ્ય સંસ્થા ‘સ્વતંત્ર થિયેટર્સમાં તેમણે અભિનયના પ્રારંભિક પાઠ શીખ્યા છે. આ ઉપરાંત, છત્તીસગઢના જાણીતા કથ્થક ગુરુ શરદ વૈષ્ણવ (રાયગઢ ઘરાના) પાસેથી તેમણે આઠ વર્ષ કથ્થકની તાલીમ પણ મેળવી છે, જે તેમના કલા પ્રત્યેના સમર્પણને દર્શાવે છે.
આ પણ વાંચો : ‘Mc’ શબ્દને લઈને મેકડોનાલ્ડ્સને કોર્ટમાં મેકપટેલનો પડકાર : લોકલ કંપનીની વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડ સામે કાનૂની લડાઈ, જાણો છે સમગ્ર મામલો

ટીવી ઉપરાંત ફિલ્મોમાં આગળ વધવાની મહત્વાકાંક્ષા
‘જનક’થી ‘કંકુ’ સુધીની સફર અને ભવિષ્યની મહત્વાકાંક્ષાવિવિધ નોંધપાત્ર નાટકોમાં ભૂમિકાઓ ભજવ્યા પછી, આર્શવીએ સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી ‘જનક’ સિરિયલમાં ‘સુમી’નું પાત્ર ભજવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. હવે, કલર્સ ગુજરાતીની ‘કંકુ રંગ પારકો’ માં ‘કંકુ’નું મુખ્ય પાત્ર ભજવીને તે ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી રહી છે. ટેલિવિઝન ઉપરાંત, આર્શવી ફિલ્મોમાં પણ આગળ વધવાની મહત્વાકાંક્ષા ધરાવે છે, જે તેના ભવિષ્યના ઉજજવળ સંકેતો આપે છે.
