જામનગર : જી.જી હોસ્પિટલની શર્મનાક ઘટના, શ્વાન માંસના ટુકડો લઈને ફરતો હોય તેવો વીડિયો વાયરલ
વિવાદોથી ઘેરાયેલી જામનગરની જી.જી હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે. જામનગરની જી.જી હોસ્પિટલની શર્મનાક ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં ફરી એક વાર શ્વાન જોવા મળ્યા હતા. આમ તો હોસ્પિટલમાં દર્દીઓ જ દાખલ થતાં હોય છે, પરંતુ જો વાત જામનગરની હોય તો, અહીં દર્દી સાથે બેડ પર શ્વાન પણ જોવા મળે તો ચોંકવાની જરુર નથી. જી હા, સામે આવેલા દ્રશ્યો આરોગ્ય વિભાગ માટે શરમજનક કહી શકાય.
જામનગર સ્થિત જી.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો અણઘડ વહીવટ કોઈથી છૂપાયો નથી. અહીં વોર્ડમાં તેમજ લોબીમાં ઢોર તેમજ કૂતરાઓ આંટાફેરા કરે છે. આવી ઘટના તો અનેક વખત સામે આવી જ છે પરંતુ આ વખતે ઓપરેશન થિયેટરમાં કુતરુ માસના લોચા આરોગતા હોવાની ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે. હોસ્પિટલમાં પણ રખડતા પશુઓ પગપેસારો કરી રહ્યા છે. આ દ્રશ્યો આરોગ્ય વિભાગ માટે શરમજનક કહી શકાય.
ઢોર, કુતરાના આંટાફેરા હોય ત્યા સુધી તો ઠીક હતું પરંતુ હવે તો હદ વટાવી દીધી હોય તેમ કુતરા ઓપરેશન રૂમ સુધી પહોંચી જતા જવાબદારો સામે સવાલો ઉભા કર્યાં છે. આ સમગ્ર ઘટનાના VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે હોસ્પિટલમાં કુતરાના આટાફેરાથી દર્દીઓની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે. શ્વાન કોઈ દર્દીને કરડી જાય તો જવાબદાર કોણ ? હોસ્પિટલના સિક્યુરીટી સ્ટાફ શું કરી રહ્યો છે. તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.