લોકોને જવાબ આપવા અઘરા થઈ ગયા છે! રાજકોટના શાસક પક્ષ નેતાના વોર્ડમાં હોબાળો,’ઉપર’ સુધી રજૂઆત થતાં નેતાઓ દોડ્યા
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે બરાબર ત્યારે જ મેઘરાજા જાણે કે તંત્રથી નારાજ હોય તે પ્રમાણે ધીમી ધારે વરસીને ખરાબ રોડ-રસ્તા રિપેર થવાનું નામ લેવા ન દેતા હોય લોકોનો રોષ હદ બહાર ભભૂકી ઉઠ્યો છે. આમ તો દરેક વોર્ડમાં હજુ સુધી રસ્તા રિપેરિંગનું અડધોઅડધ કામ બાકી છે ત્યારે શાસક પક્ષ નેતા લીલુબેન જાદવના વોર્ડ નં.11માં ખરાબ રસ્તાને લઈને લોકોએ રસ્તા ઉપર ઉતરવું પડવા ઉપરાંત આંદોલન કરવા મજબૂર બનવું પડતા વોર્ડના કોર્પોરેટરો તેમજ તેમના કાર્યકરો દ્વારા `અમારે હવે લોકોને જવાબ આપવા અઘરા થઈ ગયા છે’ તેવી રજૂઆત ‘ઉપર’ સુધી કરતા પદાધિકારીઓએ તાત્કાલિક દોટ મુકી બેઠક બોલાવી હતી.
તાજેતરમાં જ વોર્ડ નં.12ના નગરસેવિકા અસ્મિતાબેન દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા જેના પડઘા હજુ શમ્યા નથી ત્યાં વોર્ડ નં.11માં ખરાબ રોડ-રસ્તાને લઈને લોકોએ વોર્ડના ચારેય કોર્પોરેટર ઉપર માછલા ધોવાનું શરૂ કરી `આપણા કોર્પોરેટરોનું કશું ઉપજતું જ નથી એટલા માટે જ આપણને સારા રોડ-રસ્તા મળી રહ્યા નથી’ તેવા ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું. આટલું ઓછું હોય તેમ ચૂંટણીમાં હવે જોઈ લેશું તેવી ગર્ભિત ચેતવણી પણ કોર્પોરેટરો તેમજ તેમના ટેકેદારો સુધી પહોંચતાં રજૂઆતનો દોર શરૂ કરી દેવામાં આવ્યો હતો.
બીજી બાજુ કોર્પોરેટરોનું એવું પણ કહેવું હતું કે ખરાબ રોડ-રસ્તા સમયસર રિપેરિંગ થઈ રહ્યા નથી, નવા સુચવાયેલા કામ ધ્યાન પર લેવામાં આવતા નથી, જે કામ મંજૂર થયા છે તે સમયસર શરૂ થઈ રહ્યા ન હોય લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે.
આ પ્રકારની રજૂઆત બાદ મેયર નયનાબેન પેઢડિયા, પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.ભરત બોઘરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતના પદાધિકારીઓએ વેસ્ટ ઝોન ખાતે તાકિદની બેઠક બોલાવી હતી અને તેમાં અધિકારીઓને હાજર રાખી કામ કેમ મોડું થઈ રહ્યું છે, ક્યાં અટકી રહ્યું છે, કોર્પોરેટરની રજૂઆત કેમ ધ્યાને લેવામાં આવતી નથી તે સહિતના મુદ્દે `ક્લાસ’ લીધો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
પરિવારમાં નિધન થયું હોવાથી હું બેઠકમાં ગઈ ન્હોતીઃ લીલુબેન
શાસક પક્ષના નેતા અને વોર્ડ નં.11ના કોર્પોરેટર લીલુબેન જાદવ કે જેઓ બેઠકમાં હાજર રહ્યા ન્હોતા તેઓ શા માટે ઉપસ્થિત ન્હોતા તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે પરિવારમાં નિધન થયું હોવાથી તેઓએ મોવડીઓને જાણ કરી હતી. જ્યારે વોર્ડના અન્ય કોર્પોરેટર બેઠકમાં હાજર રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું પરંતુ જાણકારોના જણાવ્યા પ્રમાણે એક પણ કોર્પોરેટર હાજર ન રહ્યાનું ધ્યાન પર આવ્યું હતું.
