શું આ છે ગુજરાતનું શિક્ષણ મોડલ: 6.17 લાખ વિદ્યાર્થીઓએ અભ્યાસ મૂકી દીધો…!!!!
21 જેટલા પ્રવેશોત્સવ પછી પણ ધો.9-10માં 23.28%ના ડ્રોપઆઉટ રેસિયા સાથે ગુજરાત ત્રીજા સ્થાને: અમદાવાદમાં એક લાખ બાળકોએ ભણવાનું મૂક્યું: મુખ્ય કારણ તેમજ ટ્રેક નથી થયા તેવા બાળકોનો 30 નવેમ્બર સુધીમાં સર્વે કરવા ડી.ઇ.ઓ.ને આદેશ
રાજ્યમાં શિક્ષણનો પરપોટો ફૂટી ગયો છે. 21 જેટલા શાળા પ્રવેશ ઉત્સવ બાદ પણ ગુજરાતમાં ધોરણ નવ અને દસમા વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયોમાં 23.28% સાથે સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા નંબર સાથે શિક્ષણની પદ્ધતિ હાલતમાં અરીસો દેખાડ્યો છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલી વિગત અનુસાર ધોરણ 1 થી 5 માં 1.7%, ધોરણ 6 થી 8 માં 2.98 અને ધોરણ 11 અને 12 માં 6.19%નો ડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો છે.
જ્યારે ધોરણ 9 અને 10 માં સૌથી વધારે બોટાદ જિલ્લામાં 35.45% અને સૌથી ઓછો રાજકોટ મહાનગરપાલિકામાં 8.53% ડ્રોપ આઉટ રેસિયો છે. જે સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં શિક્ષણ અધિકારીઓ ને અલ્ટીમેટમ આપી બાળકો જુદા જુદા કારણોથી અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય, રખડતા ભટકતા કે ભીખ માંગતા બાળકોના શિક્ષણ માટે કાર્યવાહી કરવા માટે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂક કરવા માટે તાકીદ કરાઈ છે.
ડ્રોપ આઉટ રેશિયોમાં ટ્રેક નથી થયા તેવા બાળકોનું સર્વે કરવાનો છે અને આ સર્વેની કામગીરી 30 નવેમ્બર સુધીમાં પૂરી કરવા માટે સૂચના આપવામાં આવી છે.
અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવામાં છાત્રા કરતા છાત્રની સંખ્યા વધુ
સામાન્ય રીતે દીકરીઓ જલ્દીથી અભ્યાસ મૂકી દીધી હોય છે પરંતુ આ વખતના ડેટામાં પરિસ્થિતિ કંઈક અલગ જ સામે આવી જેમાં ધોરણ આઠ પછી અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવામાં વિદ્યાર્થીઓની ટકાવારીમાં ગર્લ્સ કરતા બોયઝનો રેશિયો ઊંચો જોવા મળ્યો છે ધોરણ 9-10માં કુલ ડ્રોપ આઉટ રેટ 23.28% છે જેમાં બોયઝ 24.97% અને ગર્લ્સ 21.24% છે.
રાજકોટ જિલ્લામાં ધોરણ 9-10 માં સૌથી વધારે વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો
શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2022- 23 નો શૈક્ષણિક ડેટા જાહેર કરવામાં આવ્યો છે જેમાં રાજકોટ જિલ્લામાં ધોરણ એક થી પાંચમાં 1.2% એક થી આઠમા 1.94% અને ધોરણ 9 10 માં 19.85% જ્યારે ધોરણ 11 અને 12 માં 5.73% નો ડ્રોપ આઉટ રેશિયો સામે આવ્યો છે. જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ધોરણ એક થી પાંચ માં 0.70%, ધોરણ 1 થી 8 માં 1.31% અને ધોરણ 9 થી 10 માં 8.53% જ્યારે ધોરણ 11 12 માં ઝીરો ટકા રેટ છે.
રાજકોટમાંથી 35,814 બાળકો અનટ્રેક
ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાં જે બાળકો ટ્રેક નથી થયા અને ડ્રોપ આઉટ બાળકોમાં જેમનો સમાવેશ થયો છે તેમાં રાજકોટ ત્રીજા સ્થાને રહ્યું છે. અમદાવાદમાં એક લાખથી વધુ બાળકો ટ્રેક થયા નથી જ્યારે બીજા સ્થાને સુરત જેમાં 86,858 વિદ્યાર્થીઓ અનટ્રેક અને 35,814 બાળકો સાથે રાજકોટ ત્રીજા નંબરે રહ્યું છે.
શિક્ષણનું ચિત્ર બગાડતાં જવાબદાર અધિકારીઓને દૂર કરો: સરકારને આડે હાથે લેતી કોંગ્રેસ
ગુજરાતના શિક્ષણનું ધૂંધળુ ચિત્ર સામે આવતાની સાથે જ કોંગ્રેસ આક્રમક બની હતી અને સરકારને આડે હાથે લેતા કહ્યું હતું કે શિક્ષણ તંત્રના જવાબદાર અધિકારીઓને તેમના પરથી દૂર કરવા જોઈએ. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કરોડોના તાયફાના નામે સરકાર પ્રવેશ ઉત્સવ કરે છે, તેમ છતાં ગુજરાતનો સૌથી વધારે ડ્રોપ આઉટ રેશિયો સામે આવ્યો છે. વિદ્યાસમીક્ષાના નામે ટીમ ઊભી કરાય છે તેમ છતાં આ પ્રમાણ ઘટવાના બદલે વધી રહ્યું છે. આ બાબતે શિક્ષણ તંત્રના જવાબદાર અધિકારીઓને ખસેડવા જોઈએ અને યોગ્ય પદ્ધતિથી નવી ટીમ ઊભી કરી ગુજરાતમાં શિક્ષણનું મહત્વ વધે તેવા અસરદાયક પગલાં લેવાની આવશ્યકતા ઊભી થઈ છે.