અમદાવાદમાં પિઝાનો યુગ પૂરો ? 80થી 100 આઉટલેટને તાળા લાગી ગયા
પિઝા આઉટલેટ જ નહીં, ઘણી રેસ્ટોરાં પણ બંધ થઈ ગઈ
લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા હોવાથી પિઝાના વેચાણ પર મોટો ફટકો પડ્યો
પીઝા માટે ક્રેઝી ગણાતા અમદાવાદમાં છેલ્લા 10 મહિનામાં જ 80થી 100 પિઝા આઉટલેટને તાળા લાગી ગયાં છે. ભાવમાં વધારો, વધતી જઈ રહેલી સ્પર્ધા અને આઉટલેટમાં આવતા લોકોમાં થયેલા ઘટાડાના કારણે શહેરના રેસ્ટોરાં સેક્ટરને મોટો ફટકો પડ્યો છે. આ ઉપરાંત હવે પિઝા આઉટલેટ પર જઈ પિઝા ખરીદવાને બદલે ડિલિવરી એપ્સ પર ઓર્ડર આપવાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે ઘણા પિઝા આઉટલેટ જ બંધ થયા છે એવું નથી, પણ 100થી વધુ લોકો બેસી શકે તેવી ક્ષમતા ધરાવતા પાંચથી છ મોટા રેસ્ટોરાં પણ બંધ થઈ ગયા છે.
2022-23માં અમદાવાદમાં 400થી 425 જેટલા પિઝા આઉટલેટ હતા, જ્યારે હવે 325થી 350 જેટલા જ ચાલુ છે. પિઝાના મેન્યુમાં વેરાયટી ન હોવાથી તેમજ છેલ્લા બે વર્ષમાં રો મટિરિયલ્સના ભાવમાં થયેલો 30 ટકાનો વધારો અને સ્ટાફના પગારમાં 30થી 40 ટકાનો વધારો થયો હોવાના કારણે પ્રોફિટ માર્જિન ઘટી ગયું છે. ગળાકાપ સ્પર્ધાના કારણે રેસ્ટોરાં આ ભાવ વધારાનો બોજ ગ્રાહકો પર નાખી શકે તેમ નથી. વળી, રેન્ટ પર GST નાખી દેવાયો હોવાથી પણ વધુ મુશ્કેલી ઊભી થઈ છે.
કેફેની પણ આવી જ સ્થિતિ છે. એક સમયે લિક્વિડ આઉટમ્સથી 60 ટકા અને ફૂડ આઈટમ્સથી 40 ટકા રેવન્યુ મળતી હતી, પરંતુ હવે હવે યંગસ્ટર્સ લોકાર્બ, લો-સુગરવાળી વસ્તુઓ તરફ વળ્યાં છે, જેના કારણે ફૂડ આઈટમ્સની માગમાં 30થી 40 ટકાનો ઘટાડો થયો છે. હવે ગ્રાહકો બ્રેડ અને બેકરી આઈટમ્સ ખાવાનુ અવોઈડ કરી રહ્યા છે.
બીજી તરફ ઓનલાઈન ફૂડ ડિલિવરીની પોપ્યુલારિટી વધવાના કારણે પણ રેસ્ટોરાંમાં જઈને ખાનારાઓની સંખ્યા ઘટી છે. ફાસ્ટ ફૂડ માટેના લેટ નાઈટ ઓર્ડર્સમાં વધારો થયો છે, પણ મોટી સિટિંગ કેપેસિટી ધરાવતા રેસ્ટોરાંમાં આવતા લોકોની સંખ્યા ઘટી છે.
તહેવારોના સમયે બહારનું ખાવાનું લોકો વધુ પસંદ કરે છે, પરંતુ તેનો ફાયદો મોટી રેસ્ટોરાંને ઓછો થાય છે. સૂત્રોનું કહેવું છે કે, લોકો ટ્રેડિશનલ રેસ્ટોરાં કરતા ફાસ્ટ-ફૂડ આઈટમ્સનું વધુ વેચાણ થાય છે.