રાજકોટના રેસકોર્સમાં જામશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ: બ્રાઝિલ ,ઑસ્ટ્રેલિયા સહિતના વિદેશી-દેશી પતંગવીરો એક-એકથી ચડિયાતા પતંગ ઉડાવશે
દર વર્ષની જેમ જ આ વર્ષે રાજકોટમાં મકરસંક્રાંત પહેલાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ડી.એચ.કોલેજની જગ્યાએ રેસકોર્સનું ગ્રાઉન્ડ આ કાર્યક્રમ માટે પસંદ કરાયું છે. શનિવારે સવારે 10 વાગ્યાથી આ પતંગોત્સવ શરૂ થશે જેમાં 21 દેશના પતંગબાજો અવનવા પતંગ ઉડાવશે.
આ વર્ષે પતંગોત્સવનું તમામ પ્રકારનું આયોજન પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં `ફેરફાર’ થવાને કારણે મુખ્ય સ્ટેજ, સાઉન્ડ, એન્ટ્રી પોઈન્ટ, વીઆઈપી પાર્કિંગ, જનરલ પાર્કિંગ, પતંગવીરોના સ્ટોલ સહિતની વ્યવસ્થા મહાપાલિકાને સોંપી દેવામાં આવતાં તંત્ર દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર પસંદગી ઉતારી સ્થળ મુલાકાત પણ કરી લેવામાં આવી હતી.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે આ પતંગોત્સવમાં ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કોલંબિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વિડન, યૂનાઈટેડ કિંગડમ સહિત 21 દેશ ઉપરાંત ભારતમાંથી મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઓરિસ્સા, તમીલનાડુ, સિક્કિમ, વેસ્ટ બંગાળ સહિતના રાજ્યોમાંથી પતંગવીરો ભાગ લેશે. આ તમામ પતંગવીરોને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા રાજકોટ લાવવામાં આવશે જ્યારે અહીં પતંગ ઉડાડવાથી લઈને ઉતારવા સુધીની સઘળી વ્યવસ્થા મહાપાલિકા દ્વારા કરવામાં આવનાર હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :રાજકોટમાં સોના-ચાંદીના વેપારીઓ પર તોલમાપ ખાતાની તવાઇ: 12 જવેલર્સ સામે કેસ નોંધાયા,34 હજારની ફી વસૂલાઇ
બે વર્ષ પહેલાં ખોવાયેલી પતંગ હજુ સુધી ન મળી !
રાજકોટમાં બે વર્ષ પહેલાં એટલે કે 2024માં ડી.એચ.કોલેજ ખાતે આયોજિત પતંગોત્સવમાં મોહાલી (પંજાબ)ના એક પતંગવીરની 25 હજારની કિંમતની એક પતંગ પેચ લાગી જવાને કારણે કપાઈ ગઈ હતી. આ અંગેની જાણ થતાં જ એ-ડિવિઝન પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમે દોડધામ કરી હતી પરંતુ હજુ સુધી આ કપાયેલી પતંગ મળી નથી !
