રંગીલા રાજકોટમાં વરસાદનો રસપ્રદ ઈતિહાસ..જાણો છેલ્લા 102 વર્ષમાં ક્યારે સૌથી વધુ અને સૌથી ઓછો વરસાદ ખાબક્યો હતો
- રાજકોટે ૬ ઈંચ વરસાદ પણ જોયો છે અને ૬૪.૨૮ ઈંચ પણ !
- ૧૯૩૯માં આખી સીઝનનો મળીને પડ્યો’તો ૬ ઈંચ તો અત્યાર સુધીનો સૌથી વધુ ૬૪.૨૮ ઈંચ ૨૦૧૯માં ખાબક્યો હતો
- ૨૦૨૪માં કેટલો પડશે…?
વોઈસ ઓફ ડે, રાજકોટ
૨૦૨૪ના ચોમાસામાં રાજકોટ ઉપર મેઘરાજા મહેરબાન થશે કે ઉદાસ રહેશે ? આ પ્રકારના સવાલ પાછલા સપ્તાહ સુધી પાનની દુકાનથી લઈને ઉદ્યોગપતિઓના મુખે ચર્ચાઈ રહ્યા હતા. જો કે સાતમથી શરૂ થયેલી વરસાદની રેલ દસમ મતલબ કે બુધવાર સુધી યથાવત રહી છે અને ૪૬ ઈંચ કરતાં વધુ પાણી આ સીઝનમાં પડી ચૂક્યું છે. આ બધાની વચ્ચે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા પાછલા ૧૦૨ વર્ષના પડેલા સરેરાશ વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં સીઝનનો ૬ ઈંચથી લઈ અધધ ૬૪.૨૮ ઈંચ વરસાદ પડ્યાનું નોંધાયેલું છે.
ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ૧૯૨૧થી લઈ ૧૯૩૦ દરમિયાન સરેરાશ ૩૪.૧ ઈંચ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ ૧૯૨૬માં ૩૫ ઈંચ પાણી પડ્યું હતું. આ જ રીતે વર્ષ ૧૯૩૧થી ૧૯૪૦ દરમિયાન સરેરાશ ૨૦.૨ ઈંચ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ ૧૯૩૩માં ૩૦ ઈંચ વરસાદ વરસ્યો હતો. વર્ષ ૧૯૪૧થી ૧૯૫૦ દરમિયાન સરેરાશ ૨૪.૫ ઈંચ વરસાદ પૈકી સૌથી વધુ વરસાદ ૧૯૪૫માં ૪૦ ઈંચ નોંધાયો હતો. આ રીતે ૧૯૫૧થી ૧૯૬૦ દરમિયાન સરેરાશ ૨૬.૨ ઈંચ, ૧૯૬૧થી ૧૯૭૦ દરમિયાન સરેરાશ ૧૯.૫ ઈંચ, ૧૯૭૧થી ૧૯૮૦ દરમિયાન સરેરાશ ૨૨.૮ ઈંચ, ૧૯૮૧થી ૧૯૯૦ દરમિયાન ૧૯.૨ ઈંચ, ૧૯૯૧થી ૨૦૦૦ દરમિયાન સરેરાશ ૨૧.૯ ઈંચ પાણી પડ્યું હતું. જ્યારે વર્ષ ૨૦૦૧થી ૨૦૧૦ દરમિયાન ૩૨.૮ ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વર્ષ ૨૦૧૦માં ૫૪ ઈંચ હતો. ૨૦૧૧થી ૨૦૨૦ દરમિયાન સરેરાશ ૩૬.૭૦ ઈંચ વરસાદ હતો જેમાં સૌથી વધુ ૬૪.૨૮ ઈંચ પાણી ૨૦૧૯માં પડ્યું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૨૧માં ૪૮.૨૪, ૨૦૨૨માં ૩૪.૫૨ તેમજ ૨૦૨૩માં ૨૨.૬ ઈંચ વરસાદ નોંધાયો હતો.