પાવરફુલ રીબડામાં ઉદ્યોગોને પાવર કટની સમસ્યા ! ઉદ્યોગકારો પરેશાન : PGVCLને ફરિયાદ
છેલ્લા થોડા સમયથી ગોંડલ તાલુકાનું રીબડા સતત ચર્ચામાં છે ત્યારે બુધવારે પાવરફુલ રીબડાના ઉદ્યોગકારોએ પીજીવીસીએલના કારણે પાવરક્ટ્ટની સમસ્યાથી કંટાળી રાજકોટ દોડી આવી વીજતંત્ર સમક્ષ ફરિયાદ કરવાની સાથે મીડિયા સમક્ષ પણ વીજ સમસ્યા અંગે વિસ્તૃત રીતે મુશ્કેલી વર્ણવી 350 જેટલા ઔદ્યોગિક એકમો વારંવારના વીજકાપ અને ટ્રીપીંગથી ત્રસ્ત હોવાનું જણાવ્યું હતું.
ગોંડલ તાલુકાના રીબડા ગામ વિસ્તારની આજુ-બાજુમાં અંદાજે 350 જેટલા ઔધોગિક એકમો આવેલ છે. રીબડા ઈન્ડસ્ટ્રીય વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી વીજ વિક્ષેપની વ્યાપક સમસ્યા છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ થોડો પણ વરસાદ પડે એટલે તુરંત જ લાઇટ ગૂલ થઈ જાય છે, વીજ પોલ પડી જાય છે. અહીં નવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનને ધ્યાનમાં રાખીને ઓટો પાર્ટ્સ ઉપરાંત પ્લાસ્ટિક ઉદ્યોગ, બેરિંગ, કાસ્ટિંગ અને ફાઉન્ડ્રી સહિતના કારખાનાધારકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ મામલે પીજીવીસીએલને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી.
રીબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદેદારો અને સભ્યોના જણાવ્યા મુજબ અહીં 66 કેવીનું નવું સબસ્ટેશન કાર્યરત થવા છતાં પણ હજુ સુધી વીજ સમસ્યાનો અંત આવ્યો નથી. ખાસ કરીને મામૂલી વરસાદમા પણ અહીં પાવર કાપ આવી જાય છે જયારે આજુ બાજુમાં આવેલ શાપર-વેરાવળ કે હડમતાળા વિસ્તારમાં આ સમસ્યા આવતી નથી.સાથે જ અહીં રેગ્યુલર વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી અવાર નવાર લાઈટ ગૂલ થઈ જાય છે, અને દિવસમાં બેથી ત્રણ વખત ટ્રીપિંગ થઈ જાય છે પરિણામે ઉદ્યોગકારોને મોટી નુકશાની સહન કરવી પડતી હોવાનું ઉમેરી તાત્કાલિક રીબડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વીજ સમસ્યા દૂર કરવા માંગ ઉઠાવી હતી.