ચોખાના ઉત્પાદનમાં ભારત ચીનને પછાડી બન્યું નંબર-1: કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી જાહેરાત, કૃષિ વ્યવસ્થા અને ખેડૂતોની મહેનતનો પુરાવો
ભારતે કૃષિ ક્ષેત્રે એક વધુ ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી છે. તાજેતરના આંકડાઓ મુજબ ભારતે 151.8 મિલિયન ટન ચોખાનું ઉત્પાદન કરીને ચીનને પાછળ છોડી દીધું છે અને વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે. આ સફળતા દેશની મજબૂત કૃષિ વ્યવસ્થા અને ખેડૂતોની મહેનતનો પુરાવો છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આજે દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે ભારતની ખાદ્ય સુરક્ષા સંપૂર્ણ રીતે મજબૂત બની છે. જે દેશ ક્યારેક ખાદ્ય અછતનો સામનો કરતો હતો તે આજે વિશ્વના અનેક દેશોને ચોખાનો પુરવઠો કરી રહ્યો છે. ભારત તરફથી થતી નિકાસના કારણે વૈશ્વિક બજારમાં ચોખાના ભાવ સંતુલિત રહેવામાં પણ મદદ મળી રહી છે.
ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા 25 વિવિધ પાકોની 184 નવી અને સુધારેલી જાતો વિકસાવવામાં આવી છે. આ જાતો વધુ ઉત્પાદન આપતી હોવા સાથે ગુણવત્તામાં પણ ઉત્તમ છે. નવી ટેકનોલોજી અને સંશોધનના કારણે ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉપજ મળશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે.
આ પણ વાંચો :રાજકોટમાં મૃત પતિની સંપત્તિ હડપવા મહિલાનું કૌભાંડ: પ્રથમ પત્નીના સંતાનને મિલકત ન મળે માટે બોગસ વસિયતનામું બનાવ્યું
કૃષિ મંત્રીએ જણાવ્યું કે, ભારત હવે કૃષિ ક્રાંતિના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. ખાસ કરીને આબોહવા બદલાવને સહન કરી શકે તેવી અને ઊંચી ઉપજ આપતી બીજ જાતોના વિકાસમાં દેશે મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. સરકારનો પ્રયાસ છે કે આ નવી જાતો ઝડપથી ખેડૂતો સુધી પહોંચે જેથી તેનો લાભ તળિયાના સ્તરે મળે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે અત્યાર સુધી ૩,૨૩૬ નવી પાક જાતોને મંજૂરી આપી છે. જ્યારે 1969 થી 2014 સુધીના સમયગાળામાં લગભગ 3,969 જાતો જ મંજૂર થઈ હતી. અત્યાર સુધી કુલ 7,205 પાક જાતોને સત્તાવાર રીતે સૂચિત કરવામાં આવી છે, જેમાં ચોખા, ઘઉં, મકાઈ, દાળ, તેલીબિયાં અને રેસાવાળા પાકોનો સમાવેશ થાય છે.
