આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-આફ્રિકા વચ્ચે ‘ફાઈનલ’: આફ્રિકા શ્રેણી સરભર કરવા તો ઈન્ડિયા જીતવા જોર લગાવશે
ભારત-આફ્રિકા વચ્ચે ચોથો ટી-20 મુકાબલો રદ્દ થયો હતો. લખનૌમાં ભારે ધુમ્મસ હોવાને કારણે આ મેચ રમાડવામાં આવી ન્હોતી. પાંચ મેચની ટી-20 શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે ત્યારે આજે શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બન્ને વચ્ચે પાંચમો અને અંતિમ મુકાબલો થશે. ભારત આ મેચ જીતીને વધુ એક શ્રેણી પોતાના નામે કરવા માંગશે તો આફ્રિકાનો ઈરાદો શ્રેણી સરભર કરવાનો રહેશે. સૂર્યકુમાર યાદવની આગેવાનીવાળી ટીમ અમદાવાદમાં જીત મેળવવા માટે સંપૂર્ણ સજ્જ છે.
આ મુકાબલો સાંજે સાત વાગ્યાથી શરૂ થશે. અભિષેક શર્મા અને સંજુ સેમસનની જોડી ફરી એકવાર ટી-20 ક્રિકેટમાં ધૂમ મચાવતી જોવા મળશે. ટીમ ઈન્ડિયા ઘરા લાંબા સમય બાદ અમદાવાદમાં ટી-20 ક્રિકેટ રમવા માટે ઉતરશે. આ ગ્રાઉન્ડ ઉપર છ મેચ રમાઈ છે જેમાં પહેલાં બેટિંગ કરનારી ટીમ ત્રણ વખત અને બીજો દાવ લેનારી ટીમ પણ ત્રણ વખત વિજેતા બની છે.
આ પણ વાંચો :આ તારીખથી ઠંડીનો આકરો રાઉન્ડ થશે શરૂ : વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ધ્રુજાવશે,અંબાલાલ પટેલે કરી આગાહી
આ શ્રેણીની શરૂઆત ટીમ ઈન્ડિયાએ શનદાર અંદાજમાં કરતા પ્રથમ ટી-20માં આફ્રિકાને 101 રને હરાવ્યું હતું. બીજી મેચ આફ્રિકાએ 51 રને જીતી હતી. ત્રીજી મેચમાં ભારતે સાત વિકેટે જીત મેળવી શ્રેણીમાં આગેકૂચ કરી લીધી હતી. ચોથી મેચ રદ્દ થયા બાદ હવે પાંચમી મેચ શ્રેણી માટે નિર્ણાયક બની રહેશે.
