રાધે અને ચાવડા ગ્રૂપ પર 4 દિવસથી ઇન્કમટેકસનું સર્ચ: મોરબીમાં 24 કલાકમાં સંકેલો
સામાન્ય રીતે ચાર દિવસ દરોડાની કામગીરી ચાલે છે ત્યારે મોરબીના પેપર મિલ ગ્રુપ પર રહસ્યમય તપાસ આટોપી લેવાઈ:જ્યાંથી કરોડોની ટેક્સચોરી ઝડપી તેવા હોમવર્ક સાથે ગયેલા અધિકારીઓ નિરાશ….!!!
રાધે અને ચાવડા ગ્રુપ પર આવકવેરા વિભાગનું ઓપરેશન ચોથા દિવસે પણ હજુ ચાલુ રહ્યું છે જ્યારે મોરબીમાં 24 કલાકમાં દરોડાની કામગીરી આટોપી લેવાઈ છે. શુક્રવારે આવકવેરા વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડતા બિલ્ડરો અને ઉદ્યોગકારોમાં સન્નાટો વ્યાપી ગયો હતો. જેમાં અમદાવાદના નામી રાધે ગ્રુપ પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ઘરી તેના સંલગ્ન ગ્રુપ પર ઇન્કમટેક્સ ઘોસ બોલાવી હતી.
જેમાં ચાવડા અને મોરબીમાં જાણીતા પેપરમીલ ધરાવતા તીર્થક અને સોહમ ગ્રુપ પર દરોડા પડ્યા છે. એમાં દરોડાના પ્રથમ દિવસે જ તીર્થક ગ્રુપને ત્યાં ભાજપના કદાવર નેતા અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા મુલાકાતે ગયા હતા. જેનો વિડીયો વાયરલ થયો હતો. આ ગ્રુપને ત્યાંથી વ્યાપક માત્રામાં ટેક્સ ચોરી ઝડપાશે તેવી ગણતરી સાથે આવકવેરા વિભાગની ટીમ હોમવર્ક કરીને ગઈ હતી.
સામાન્ય રીતે ઇન્કમટેક્સનું સર્ચ બેથી ચાર દિવસ સુધી ચાલતું હોય છે પરંતુ મોરબીના દરોડામાં રહસ્યમય રીતે વળાંક આવ્યો અને 24 કલાકમાં આ સર્ચ ઓપરેશન પૂર્ણ થઈ જતા બાહોશ અધિકારીઓ પણ નિરાશ થઈ ગયા હોવાની ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં કાનાફુસી ચાલી રહી છે. જો હજુ મોરબીમાં સર્ચ લંબાયુ હોત તો કરચોરીનું લાંબુ સાહિત્ય મળી આવત એવો ગણગણાટ કર્મચારીઓમાં ચાલી રહ્યો છે. જ્યારે મહેસાણા, હિંમતનગર, અમદાવાદમાં ચોથા દિવસે તપાસ ચાલી રહી છે. પાંચ કરોડની રોકડ ઉપરાંત વ્યાપક માત્રામાં જ્વેલરી અને ટેક્સ ચોરીનો ફિઝિકલ અને કોમ્પ્યુટર ડેટા મળી આવ્યો છે.