ગુજરાતના જાણીતા મીઠા ઉત્પાદક દેવ સોલ્ટ પર ઈન્કમટેક્સના દરોડા : અમદાવાદ,માળિયા, જામનગરની મુખ્ય ફેક્ટરી-ઓફિસ પર તપાસ
ગુજરાતમાં જાણીતા મીઠાના વેપારી દેવ સોલ્ટને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે રેડ કરી છે. અમદાવાદ, જામનગર, માળિયામાં ડી. એસ. ઝાલા અને હિતેન્દ્ર ઝાલા સહિતના 16 વેપારીને ત્યાં રાજકોટ અને અમદાવાદના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. માળિયામાં આવેલી દેવ મીઠાની ફેક્ટરીમાં, જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ઉપર પણ તવાઈ બોલાવાઈ છે.
આજે તા.7 ફેબ્રુઆરી વહેલી સવારથી જ રાજકોટ અને અમદાવાદની ટીમ દ્વારા અમદાવાદ, જામનગર, મોરબીના માળિયામાં તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા એસજી હાઇવે પર આવેલી દેવ ગ્રુપ ઓફ કંપનીમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે દેવ ગ્રુપ ઓફ કંપનીના કોર્પોરેટ હાઉસમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ અને લોકલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી છે.

બોડકદેવ વિસ્તારમાં આવેલી દેવ ગ્રુપ ઓફ કંપનીના કોર્પોરેટ હાઉસમાં સવારથી જ ઇન્કમટેક્સ વિભાગના 30 જેટલા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જામનગરમાં આવેલી દેવ સોલ્ટની મુખ્ય ફેક્ટરી પર પણ ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. બોડકદેવ જેવા પોસ્ટ વિસ્તારમાં મોટા કોર્પોરેટ હાઉસમાં રેડ પડતા સન્નાટો છવાયો છે.
દેવ સોલ્ટના ત્રણેય સ્થળે દરોડા
મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકામાં મીઠાનું ઉત્પાદન કરતી દેવ સોલ્ટ ગ્રુપની વિવિધ લોકેશન પર ઇન્કમટેક્સ વિભાગે 25 અલગ-અલગ ટીમ બનાવીને આ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં લગભગ 100 જેટલા અધિકારી અને કર્મચારી જોડાયા છે. ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા માળીયા મિયાણાના હરિપર નજીક આવેલી દેવ સોલ્ટની મુખ્ય ઉત્પાદન ફેક્ટરી ઉપરાંત, જામનગર અને અમદાવાદમાં આવેલી કંપનીની ઓફિસોમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.