ઇન્કમટેક્સ વિભાગ એક્શન મોડમાં: રાજકોટમાં પ્રયોશા જવેલર્સમાં તપાસ, ઝવેરીઓમાં ફફડાટ, તપાસ બાદ સર્વે સર્ચમાં પલટાઇ જાય તેવી શક્યતાઓ
માર્ચ એિંન્ડગ નજીક આવતા ઇન્કમટેક્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. સતત બીજા દિવસે પણ કરચોરી ઝડપી લેવા માટે વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટમાં જાણીતા જવેલર્સ પર ઇન્કમટેક્સ વિભાગે સર્વે શરૂ કર્યો છે. જો સર્વે દરમિયાન બિનહિસાબી વ્યવહારો બહાર આવશે તો આ તપાસ દરોડામાં ફેરવાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
નવું વર્ષ શરૂ થતાં જ અને નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર બે મહિના બાકી રહેતાં ઇન્કમટેક્સ વિભાગે કરચોરો પર ગાળિયો વધુ મજબૂત કર્યો છે. અમદાવાદમાં મંગળવારે બિલ્ડર અને રીઅલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યવસાયકારો પર મેગા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે, જેની કાર્યવાહી હજુ પણ ચાલુ છે.
આ પણ વાંચો :વન-ડેમાં હાર્યા બાદ T-20માં ટીમ ઈન્ડિયાએ બતાવ્યો ‘પાવર’: ન્યુઝીલેન્ડને 48 રને હરાવ્યું,અભિષેક શર્માએ હાંસલ કરી વધુ એક મોટી સિદ્ધિ
આ દરમિયાન રાજકોટના કોટેચા ચોક વિસ્તારમાં આવેલા પ્રયોશા જવેલર્સ પર ઇન્કમટેક્સની ટીમ પહોંચી હતી. ગઇકાલે બપોરે અંદાજે 3 વાગ્યાથી સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આશરે 8 જેટલા અધિકારીઓ દ્વારા જવેલર્સના હિસાબી ચોપડા અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહી માટે બહારથી ઇન્કમટેક્સની વિશેષ ટીમ આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે સમગ્ર મામલે ઇન્કમટેક્સ વિભાગ તરફથી સત્તાવાર નિવેદન આવ્યા બાદ જ સંભવિત ટેક્સચોરીનો સાચો આંકડો સામે આવશે.ઝવેરીઓ પર સર્વે શરૂ થયાનાં સમાચારથી સોની બજાર અને જવેલર્સમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
