વાઇબ્રન્ટ સમિટમાં એકલા ઉર્જા વિભાગના જ 3 લાખ કરોડના MOU થશે! રીન્યુએબલ એનર્જીના વપરાશ ઉપર મુકાશે ભાર
છેલ્લા સાત મહિનાથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પી.જી.વી.સી.એલ)ના મેનેજીંગ ડીરેક્ટર તરીકે કાર્યરત કેતન જોશી (IAS) બુધવારે વોઈસ ઓફ ડેની મુલાકાતે આવ્યા હતા અને વીજ કંપનીની કામગીરી ઉપરાંત આગામી વાઈબ્રન્ટ સમિટમાં થનારા એમ.ઓ.યુ. સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કહ્યુ હતું કે, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકોને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે તંત્ર હંમેશા સતર્ક રહે છે.
કેતન જોશીએ કહ્યું હતું કે, રૂટીન કામગીરી ઉપરાંત હાલમાં પી.જી.વી.સી.એલનું ફોકસ આગામી વાઈબ્રન્ટ સમિટ ઉપર કેન્દ્રિત થયેલું છે. આ સમિટમાં ઉર્જા વિભાગને લગતા સેમિનાર, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, પેનલ ડિસ્કસન વગેરે યોજાશે અને સેમિનારમાં ઉર્જા વિભાગના નિષ્ણાતો વક્તવ્ય પણ આપશે.
આ સમિટમાં રીન્યુએબલ એનર્જીના વપરાશ ઉપર ભાર મુકવામાં આવશે. જે સેમિનાર યોજાશે તેમાં ઓનશોર થી નીયરશોર વિન્ડ, ઓઈલ અને ગેસ ક્ષેત્રે ગુજરાતનો ફાળો, ઇન્ટીગે્રટેડ એનર્જી અને ફર્ટિલાઈઝર ઇકો સીસ્ટમ, અર્બન અને રૂરલ એનર્જી સીસ્ટમ, રીન્યુએબલ ઇન્ટીગે્રશનથી ખેડૂતોને સશક્ત બનાવવા, ઓસન એનર્જી, મરીન કેબિંલગ અને ટ્રાન્સમીશન સહિતના મુદ્દે નિષ્ણાતો વક્તવ્ય આપશે.
આ પણ વાંચો :રાજકોટની આ 3 સહેલીઓ ‘વ્હાલુડીનાં વધામણાં’કરશે: 25 દીકરીઓનાં શાહી લગ્નો કરાવવાનો સંકલ્પ, ચહેરા પર સ્મિત પાથરી સાસરે વળાવશે
આ રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટમાં ઉર્જા વિભાગ અંદાજે 3 લાખ કરોડ રૂપિયાના એમ.ઓ.યુ. કરે તેવી ધારણા છે. હાલમાં જુદી જુદી ખાનગી કંપનીઓ સાથે ચર્ચા ચાલી રહી છે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટા પાયે રોકાણ આવે તે દિશામાં પ્રયાસો થઇ રહ્યા છે.
કેતન જોશીએ કહ્યુ કે, પીજીવીસીએલ ડીસેમ્બર માસ-2025ને ઉર્જા બચત માસ તરીકે ઉજવી રહ્યું છે અને તેના ભાગ રૂપે ઉર્જા બચત અંગે જાગૃતિ કેળવવા અને લોકો સુધી ઉર્જા બચતનો સંદેશો પહોંચે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ થયું છે.તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ ઝુંબેશથી ઉર્જા બચતનો હેતુ સિદ્ધ થશે.
દેશમાં વીજ પુરવઠો અવિરતપણે મળતો રહે અને આધુનિક સીસ્ટમથી લોકોને ફાયદો કઈ રીતે થાય તેનો અભ્યાસ કરવા માટે તાજેતરમાં સરકારે જે સનદી અધિકારીઓને ઇન્ટરનેશનલ સ્ટડી ટુરમાં મોકલ્યા હતા તેમાં પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. કેતન જોશીનો પણ સમાવેશ થતો હતો. આ અંગે તેમણે કહ્યું કે, આ ટુરમાં દેશના પાવર સેક્ટરનાં દસ આઈ.એ.એસ અને આઈ.પી.એસ અધિકારીઓ જોડાયા હતા અને ફ્રાંસ, જર્મની અને બેલ્જીયમ જેવા દેશોની મુલાકાત લઈને ત્યાની વીજ વિતરણ સહિતની વ્યવસ્થાનો અભ્યાસ કર્યો હતો.
આ દેશોમાં 100 ટકા અન્ડરગ્રાઉન્ડ કેબિંલગને લીધે ટ્રીપીંગ થતું નથી અને પાવર સપ્લાય અવિરતપણે ચાલુ રહે છે. આ અંગેના વિસ્તૃત રીપોર્ટ ઉપર સરકાર આવશ્યક કાર્યવાહી કરશે.
