છેલ્લા રાઉન્ડમાં પણ મેઘરાજાની સટાસટી, સુરતમાં 3 ઈંચ
અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નવસારી વિરમગામ, દાહોદ, મોડાસા, સાબરકાંઠા સહિતના વિસ્તારમાં ધોધમાર
રાજકોટ : રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ છેલ્લા રાઉન્ડમાં પણ સટાસટી બોલાવવાની શરૂઆત કરતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં ભાદરવા સાથે હવે અષાઢી માહોલ જોવા મળ્યો હતો તો સુરતમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
બુધવારે વહેલી સવારથી વાપી અને વલસાડ જિલ્લામાં મેઘરાજાએ વરસાદ વરસાવ્યા બાદ અમદાવાદ શહેરમાં બપોર બાદ વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. પૂર્વ વિસ્તારમાં નરોડા, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ, રામોલ, ગોમતીપુર, સરસપુર, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.બીજી તરફ હવામાન વિભાગે તા.26 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તા.27 સપ્ટેમ્બરના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી અને ભાવનગર તેમજ તા. 28 સપ્ટેમ્બરના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ વરસવાની આગાહી કરી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સ્નેત્રના સત્તાવાર આંકડા મુજબ સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ સુરતમાં 72 મીમી,નવસારીના ગણદેવીમાં 51 મીમી, સાબરકાંઠાના પ્રાંતિજમાં 42 મીમી, નવસારીમાં 41 મીમી, આણંદના સોજીત્રામાં 35 મીમી,પંચમહાલના મોરવાહડફમાં 25 મીમી,નવસારીના જલાલપોર અને વલસાડના વાપીમાં 24-24 મીમી અને નડિયાદ તેમજ દાહોદમાં 20-20 મીમી, વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.