લોકસભાની ચુંટણી માટેના પ્રચારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતિશીલ બનાવીને ગુજરાતનાં બે દિવસના ઝંઝાવાતી પ્રચારમાં વાતાવરણ જોશિલું બનાવી દીધું હતું. ગુરુવારે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાને આણંદ, સુરેન્દ્રનગર,જૂનાગઢમાં અને જામનગરમાં સભાઓ સંબોધી હતી. વડાપ્રધાન મોદી સૌપ્રથમ જામનગરના રાજવીને તેમના નિવાસ સ્થાને મળવા પહોંચ્યા હતા.
જામનગરમાં પીએમ મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ સભાને સંબોધતા પહેલા તેઓ જામ સાહેબને મળ્યા હતા અને વડાપ્રધાને જામ સાહેબના ખબર અંતર પૂછ્યા હતા. ત્યારે જામસાહેબે પીએમ મોદીને હાલારી પાઘડી ભેટમાં આપી હતી. જામ સાહેબની તબિયત થોડી નરમ ગરમ રહે છે. ગઈ કાલે જામ સાહેબે પત્ર લખી રાહુલ ગાંધીને જવાબ આપ્યો હતો.
જામ સાહેબ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. ત્યારે જામનગર ખાતે વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆતમાં જામ સાહેબ સાથેની મુલાકાત અંગે વાત કરતા કહ્યું કે, ‘બધાને થતું હશે કે નરેન્દ્ર ભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા. મુખ્યમંત્રી પાઘડી પહેરાવવા જતા હતા તો મેં કહ્યું કે, આ પાઘડી ઉતારાય એવું નથી. હું રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા માટે ગયો હતો. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કાંઈ બાકી જ ના રહે. એટલે મારા માટે તો જામ સાહેબની પાઘડી મોટો પ્રસાદ છે.’
ક્ષત્રિય સમાજના બલિદાનને પીએમ મોદીએ કર્યું યાદ
આજે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થઈ છે. એકવાર મહત્વની ઘટના બની. ભૂચર મોરીની યુદ્ધની વાત. મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા. પછી મને કોઈએ કાનમાં કહ્યું, અમે સાહેબ નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો પણ આતો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ. મે કહ્યું કેમ નહીં આવું. તો કહ્યું કે, કોઈ મુખ્યમંત્રી નથી આવ્યાં. અમે બધા મુખ્યમંત્રીને આમંત્રણ આપીને ટ્રાઈ કરી લીધી છે. ત્યાં એવી માન્યતા છે કે, જ્યા આટલા બધા પાળીયા હોય. પૂજાતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈએ ભેળવી દીધું છે કે તમે ભૂચરમોરીના સ્થાને જાવ એટલે તમારૂ મુખ્યમંત્રીનું પદ જતું રહે, એટલા માટે ત્યાં કોઈ મુખ્યમત્રી જતા ન હતા. ત્યારે મેં કહ્યું કે, મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ જ. અને હું આવ્યો હતો અને ખુબ ઉલ્લાસથી તે કાર્યક્રમને મેં વધાવ્યો હતો. એટલે જામનગર સાથેની એવી અનેક યાદો સાથે હું આજે ફરી જામનગર આવ્યો છું.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને તેમની સભાઓ સખત ગરમી યોજવામાં આવી હતી ત્યારે આવી ગરમીમાં પણ બધા જ શહેરોમાં લોકો સભાઓમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મોદી મોદીના નારા લગાવી લોકોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો અને મોદી રાજી થયા હતા.