ધરતીપુત્રો માટે મહત્વના સમાચાર: આ તારીખથી શરૂ થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી: વેચાણ માટે 1.33 લાખથી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી
રાજ્ય સરકાર આગામી તા. 23થી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરુ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે પત્રકારોને માહિતી આપતા કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરીને ઉત્પાદનોની ખરીદી કરવામાં આવે છે.
વાવેતર શરૂ થયા પહેલા જ ભારત સરકારે વર્ષ 2025-26 માટે તુવેરનો ટેકાનો ભાવ રૂ. 8,000 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1,600 પ્રતિ મણ) જાહેર કરતા રાજ્યના ખેડૂતો દ્વારા તુવેરનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના કુલ 1.33 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને આશરે 130 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. આ ખરીદ કેન્દ્રો ખાતેથી આગામી તા. 23 ફેબ્રુઆરીના રોજથી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાનો આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલા ખેડૂતોએ SMSથી ખરીદી માટેની અગાઉથી જાણ કરવામાં આવશે અને SMS મળ્યેથી ફાળવેલ ખરીદ કેંદ્ર ખાતે ખેડૂતોએ જથ્થા સાથે ઉપસ્થિત રહી આ યોજનાનો લાભ મેળવવા કૃષિ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.
કૃષિ મંત્રીએ ખાતરી આપી છે કે, રાજ્ય સરકાર દ્વારા તુવેર પાકની નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકારે તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે.
