કહેતા હોવ તો તમને ભાજપનો ખેસ પહેરાવી દઉં : રાજકોટ મહાપાલિકા કચેરીમાં આપ-પોલીસ વચ્ચે બઘડાટી
રાજકોટમાં અત્યારે એક પણ રસ્તો એવો નહીં હોય કે જ્યાં વરસાદને કારણે નાના-મોટા ખાડા પડી ગયા હોય. આ પ્રકારના ખાડાને કારણે વારંવાર અકસ્માત તેમજ વાહન ચાલકોને પારાવાર હાલાકી વેઠવી પડતી હોય મહાપાલિકા કચેરીના તંત્રવાહકોને ઢંઢોળવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જો કે નેતાઓને મ્યુનિસિપલ કમિશનર સુધી ન પહોંચવા દેવામાં આવતાં રોષમાં પોલીસના ખભે ખેસ નાખી `કહેતા હોવ તો તમને ભાજપો ખેસ પહેરાવી દઉં’ કહેતાં જ મામલો બિચક્યો હતો અને થોડીવાર માટે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં બઘડાટી બોલી જવા પામી હતી.

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોષી સહિતનાએ સેન્ટ્રલ ઝોન કચેરીમાં થાળી વગાડી વિરોધ કર્યો હતો. આ પછી રોડ-રસ્તા મુદ્દે મેયર નયનાબેન પેઢડિયા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને રજૂઆત કરવા માટે ગયા ત્યારે હાજર વિજિલન્સ પોલીસે તેમને થાળી વગાડી વિરોધ નહીં કરવા તેમજ શાંતિપૂર્વક રજૂઆત કરવાનું કહેતાં જ દિનેશ જોષી દ્વારા ભાજપનો ખેસ પહેરાવી દઉં તેવું કહેતાં જ પોલીસ સાથે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.

આ પછી વિરોધ ઉગ્ર બની જતાં 12 લોકોની અટકાયત કરી તેમને એ-ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા. એકંદરે `આપ’ ન તો મેયર કે ન તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી શક્યું હતું.
આ પણ વાંચો : પુલની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ : ગુજરાતમાં ત્રણ વર્ષમાં નાના મોટા પુલ તૂટવાની દસ ઘટના, પ્રજા ભગવાન ભરોસે

