તારામાં હિંમત હોય તો હાથ પર બ્લેડથી કાપા મુક : બ્લુવહેલ જેવી બિઝરે ગેઇમ્સએ બાળકોને રવાડે ચડાવ્યા
અમરેલી બાદ ડીસાની ઘટના સામે આવતાં શાળા સંચાલકો અને વાલીઓ ચિંતામાં:એકબીજાને ટાર્ગેટ પુરા કરવા હાથમાં કાપા મુકવાની આપે છે ચેલેન્જ
બગસરામાં ઓનલાઈન મોબાઈલ ગેમની આદતથી મજબુર થયેલા 40 જેટલાં વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર બ્લેડનાં કાપા માર્યા હતા એવી જ ઘટના ફરી ડીસામાં બની હોવાનું સામે આવતાં સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ સામે હવે સવાલો ઊભાં થયાં છે.
ડીસાની રાજપુર પે સેન્ટરમાં એક મિત્રએ ચેલેન્જ આપી હતી કે તારામાં આવી હિંમત હોય તો હાથ પર કાપા મૂક, આથી મિત્ર એ ચેલેન્જ સ્વીકારી હાથ પર ધસરકા માર્યા હતા. શાળાના આચાર્ય શ્રવણભાઈ અનાવાડિયાએ વિદ્યાર્થીઓ ઓનલાઇન વિડીયો ગેઇમથી દૂર રહે તેવી જાગૃતિ લાવવા માટે સેમીનાર રાખ્યો હતો ત્યારે આ અંગે જ્યારે સમજણ આપવામાં આવી ત્યારે વિદ્યાર્થીઓએ તેમના ક્લાસમાં બનેલી આ ઘટના અંગે ધ્યાન દોર્યું હતું.
એક વિદ્યાર્થીના હાથ પર કાપા હતા ત્યારે આચાર્ય તેને પૂછ્યું તો આ વિદ્યાર્થીએ કહ્યું હતું કે મારા મિત્ર એ મારા માતા પિતાના સમ આપ્યા એટલે મેં આવું કર્યું હતું. અમારી શાળામાં આ ઘટના બની તેના બીજા દિવસે બગસરામાં 40 બાળકોએ બ્લેડ દ્વારા કાપા મૂક્યા હતા તેની ઘટના સમાચારોમાં વાંચતા અમે આ અંગે ગંભીર નોંધ લઇ હેલ્પલાઇન નંબર 1098 પર ફોન કરી વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કર્યું હતું.
બ્લુવ્હેલ,સ્કીવડ જેવી બિઝરે ગેઇમ;ખતરનાક સાહસમાં ફેરવાઈ જાય છે
થોડા સમય પહેલાં આવેલી બ્લુવ્હેલ,સ્કીવડ જેવી જ આ બિઝરે ગેઇમ ચેલેન્જ છે,જેમાં એક પછી પડાવ માટે પડકાર સ્વીકારે છે.આ ચેલેન્જ પુરી કરવા માટે ખતરનાક ખેલ સુધી પહોંચી જાય છે.વર્ષ 2017માં બ્લુવહેલની ગેઇમ્સની લતમાં અનેક યુવાનોએ આપઘાત કર્યા હતા.જ્યારે આ બિઝરે ચેલેન્જમાં શરીરમાં બ્લેન્ડથી ધા મારવાની ચેલેન્જ આપે છે.ગુજરાતમાં એક સપ્તાહમાં આવી બે બે ઘટના પ્રકાશમાં આવતાં સ્કૂલ સંચાલકો સાથે પેરેન્ટ્સ પણ ટેનશનમાં આવી ગયા છે.હજુ બે દિવસ પૂર્વે જ શિક્ષણ મંત્રીએ આ બાબતે રાજ્ય સરકાર દ્વારા એસ.ઓ.પી જાહેર કરવાની વાત કરી હતી.
આવી વાયોલેન્સ ગેઇમથી નોન સ્યુસાઈડલ સેલ્ફ ઇન્જરી ડીસીઝ:કાઉન્સલર
ઈરાદાપૂર્વક તો શરીરને નુકસાન પહોંચાડવું અથવા ઇજા પહોંચાડવી,જેને નોન સ્યુસાઈડલ સેલ્ફ ઇન્જરી ડીસીઝ કહેવાય છે. જેમાં માનસિક સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે ખાસ કરીને બાળકો અને યુવાનો આવી ગેઇમ્સ દ્વારા ભાવનાત્મક અને માનસિક તાણમાંથી મુક્તિ મેળવાનો પ્રયાસ કરે છે તેમ મનોવૈજ્ઞાનિક ભવનનાં પ્રો.યોગેશ જોગસણ અને ડો.ધારા દોશીએ જણાવતાં વધુમાં આ વિશે સમજ આપી હતી. બાળકો ઉપર મોબાઇલ તેમની અસરો મિશ્ર હોઈ શકે પરંતુ જ્યારે તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે ત્યારે શારીરિક,માનસિક અને સામાજિક વિકાસ પર નકારાત્મક અસર થઈ શકે છે. આવી ચેલેન્જ ગેઇમ્સ વધુ પડતી હિંસક હોવાથી બાળકોમાં આક્રમકતા અને હિંસાને પ્રોત્સાહન આપે છે.જેમાં બેટલ ગ્રાઉન્ડ,સ્કેવડ,બ્લુવહેલ,બિઝરેનો સમાવેશ થાય છે.