રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાનું બાકી છે, તો ફટાફટ કરી લો… સરકારે આ તારીખ સુધીની મુદ્દત લંબાવી
આજે આધારકાર્ડ એક જરુરી દસ્તાવેજ બની ગયું છે.આનો ઉપયોગ કરીને તમામ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લઈ શકાય છે.આવામાં સરકારે તમામ જરુરી ડોક્યુમેન્ટને આધાર સાથે લિંક કરવાનું શરુ કરી દીધુ છે. ત્યારે જે લોકોએ આ પ્રોસેસ નથી કરી તેમના માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ત્રણ મહિના લંબાવી છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા જારી કરાયેલા એક જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે હવે ગ્રાહકો 30 જૂન સુધી તેમના રેશનકાર્ડને આધાર સાથે લિંક કરી શકશે.
તમને જણાવી દઈએ કે અગાઉ આધાર સીડિંગ (રેશન કાર્ડ ekyc) માટેની તારીખ 31 માર્ચ સુધી નક્કી કરવામાં આવી હતી. આમ છતાં, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવામાં આવેલા રેશનકાર્ડમાં ઉલ્લેખિત તમામ સભ્યો માટે આધાર સીડિંગ (e-KYC) કરવામાં આવ્યું નથી. આને ધ્યાનમાં રાખીને, આધાર સીડિંગ માટેની છેલ્લી તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.
રેશન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ ચોથી અને અંતિમ તક છે, ત્યારબાદ સમય મર્યાદા વધારવામાં આવશે નહીં. જો કોઈ લાભાર્થીએ રેશનકાર્ડને ઈ-કેવાયસી સાથે લિંક નહીં હોય તો તેનું રેશન કાર્ડ રદ થઈ જશે અને સરકારી અનાજ મળવાની સુવિધાથી વંચિત થશે. સરકારનું આ આકરૂ વલણ રેશન વિત્તરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને ડુપ્લીકેશન અટકાવવાનો છે. વધુમાં રાજ્ય અને જિલ્લા પ્રશાસનને મજબૂત દેખરેખ અને પ્રચાર-પ્રસાર કરવા પણ નિર્દેશ આપ્યો છે.
તમે ઘર બેઠા પણ કરી શકો છો EKYC
- સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી Mera KYC એપ ડાઉનલોડ કરો.
- આ સાથે જ Aadhar Face ID એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરો.
- Mera KYC એપ ઓપન કરીને Allow બટન પર ક્લિક કરીને તમામ પરવાનગીઓ આપો.
- હવે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારું રાજ્ય પસંદ કરો.
- હવે એક નવું પેજ ઓપન થશે, જ્યાં રાશન કાર્ડ લાભાર્થીનો આધાર કાર્ડ નંબર દાખલ કરીને ઓટીપી (OTP) વેરિફાય કરો.
- હવે eKYC અથવા Face Recognitionનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો.
- જ્યારે તમે Face Recognitionનો ઓપ્શન પસંદ કરો છો, ત્યારે તમારે તમારા કેમેરાનો ઉપયોગ કરીને ચહેરાને સિસ્ટમ સાથે મેચ કરો.
- સિસ્ટમ દ્વારા ચહેરાની ઓનલાઈન ચકાસણી કરવામાં આવશે.
- આમાં આંખો અને ચહેરાને વિવિધ બાયોમેટ્રિક પરિમાણોના આધારે ઓળખવામાં આવશે.
- એકવાર સિસ્ટમ ચહેરાને ઓળખી લેશે, ત્યારે eKYC પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
- વેરિફિકેશન પછી તમને કન્ફર્મેશન મેસેજ અથવા ઈમેલ પ્રાપ્ત થશે, જેનાથી પુષ્ટિ થશે કે તમારું રાશન કાર્ડ eKYC થઈ ગયું છે.