રાજકોટના લોકમેળામાં જવાના હોય તો ખાસ વાંચજો : આ 14 સ્થળે તમે મફતમાં પાર્કિંગ કરી શકશો, જુઓ વાહનો માટે ચાલુ-બંધ રસ્તાનું લિસ્ટ
ગુરૂવારથી રાજકોટનો પરંપરાગત લોકમેળો કે જેને આ વર્ષે ‘શૌર્યનો સિંદૂર મેળો’ નામ આપવામાં આવ્યું છે તેનો રંગેચંગે પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે પણ જો વરસાદ વિઘ્ન ન બને તો 10 લાખથી વધુ લોકો તેમાં અવર-જવર કરનારા હોવાનો અંદાજ છે ત્યારે ટ્રાફિક અને પાર્કિંગને લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ દ્વારા જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા પ્રમાણે 14 સ્થળે મફતમાં પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે તો આઠ રસ્તા પર નો-પાર્કિંગ અને બંધ રહેશે તો ત્રણ માર્ગ ખુલ્લા રહેશે તેવું જણાવાયું છે. આ ઉપરાંત મેળાના દિવસો દરમિયાન 1900થી વધુ પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે.
પાર્કિંગની વ્યવસ્થા ક્યાં ક્યાં કરાઇ ?
- બહુમાળી ભવન સામે નહેરુ ઉદ્યોન
- એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ રેલવે પાટા સામે
- બાલભવન મેઈન ગેઈટથી આર્ટ ગેલેરી સુધીના રોડ પર
- નવી કલેક્ટર કચેરી સામે
- કિસાનપરા ચોક, એ.જી.ઓફિસની દિવાલ પાસે
- કિસાનપરા ચોક, સાઈકલ શેરીંગવાળી જગ્યા આયકર વાટિકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સના ગ્રાઉન્ડમાં
- ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ
- કિસાનપરા ચોક, કેપિટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ
- ચાણક્ય બિલ્ડિંગ ચોક પાસે, નગરરચના અધિકારી કચેરીનું ગ્રાઉન્ડ
- ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ
- સર્કિટ હાઉસ સામે મેમણ બોર્ડિંગનું ગ્રાઉન્ડ
- એસપીના બંગલાવાળી શેરી, આઈબી ઓફિસથી પ્રેસ સુધી
- સર ગોસલિયા માર્ગ હેલ્થ ઓફિસની દિવાલ સુધી

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે તા.14ને ગુરુવારથી શરૂ થઈ રહેલા લોકમેળા માટે લોકમેળા સમિતિ દ્વારા આકરા નિયમો લાદ્યા છે, લોકમેળામા તમામ સ્ટોલ-પ્લોટ ધારકો માટે CCTV ફરજીયાત બનાવી અગ્નિશમનના સાધનો પણ ફરજીયાત લગાવવા આદેશ કરી ભાતીગળ લોકમેળામાં ભારતીય સંસ્કૃતિ લોપાય નહીં તે માટે બિભિત્સ ડાન્સની મનાઈ ફરમાવવામાં આવી છે સાથે જ મેળામાં તમ્બાકુ અને પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

શહેરના રેષકોર્ષ મેદાન ખાતે તા.14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળામાં ભાગ લેનાર તમામ ધંધાર્થી ઓ માટે લોકમેળા સમિતિ દ્વારા આકરા નિયમોનું પાલન કરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે જેમાં તમામ સ્ટોલ-પ્લોટમાં અગ્નિશમનના સાધનો રાખવા શરત મુકવામાં આવી છે જેમાં બોર્ડ રાખવું, રેતી ભરેલી ચાર ડોલ, પાણીના બે બેરલ, બે ફાયર એક્સીગ્યુટર, તમાકુ અને તમાકુની બનાવટોનું વેચાણ ઉપર પ્રતિબંધ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવો, કોઈપણ પ્લોટ-સ્ટોલમાં જાહેરાત નહીં કરી શકાય સહિતની શરતો મુકવામાં આવી છે. વધુમાં લોકમેળા સમિતિ દ્વારા મોટી રાઈડસ માટે 50 રૂપિયા તેમજ નાની રાઈડસ માટે 35 રૂપિયા ભાવ ફિક્સ કરવામાં આવ્યો છે તેમજ દરરોજ રાઈડસની ચકાસણી કર્યા બાદ જ રાઈડસ ચાલુ કરવાની રહેશે જેવી શરત મૂકી છે.
આ પણ વાંચો : જ્યારે વ્યક્તિ બીજું જીવનદાન મળે ત્યારે ! ફેફસા-હૃદય બંને થાકી ગયા પણ રાજકોટની ‘હેતલે’ હિંમત ન હારી,વાંચો અંગદાન બાદ મળેલી જિંદગીની કહાની
આ ઉપરાંત ભૂતકાળમાં લોકમેળામાં જાદુગર અને મોતના કુવામાં ગ્રાહકોને આકર્ષવા માટે બિભિત્સ ડાન્સ કરવામાં આવતા હોવાની ફરિયાદોને પગલે લોકમેળામાં બિભિત્સ ડાન્સ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ લોકમેળામાં લાઉડ સ્પીકર વગાડવા માટે અલગથી મંજૂરી લેવી, બાળમજૂર નહીં રાખવા તેમજ CCTV ફૂટેજ ઓછામાં ઓછા 30 દિવસ સાચવી રાખવાની કડક શરત મુકવામાં આવી છે.
