ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
ખાદ્યતેલ, શાકભાજી સહિતનું બધું જ મોંઘું થઈ રહ્યું છે ત્યારે હવે `બંધાણી’એ પાન-ફાકી માટે પણ વધારાના પાંચ રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે ! કેન્દ્રીય બજેટમાં તમાકુ ઉપર જીએસટી, સેસ સહિત 58%નો ટેક્સવધારો ઝીંકવામાં આવતાં તમાકુના ભાવમાં 50 ગ્રામે રૂા.25 અને સોપારીમાં કિલોએ 100 રૂપિયાનો વધારો થઈ જતાં રાજકોટમાં પાનની મહત્તમ દુકાન ઉપર તમાકુયુક્ત ફાકી કે જે રાજકોટની નવેક હજાર જેટલી દુકાન પરથી રાજેની 20,000 નંગ વેચાય છે તેનો ભાવ 25 રૂપિયા થઈ જવા પામ્યો છે.
આમ તો તમાકુના ડબ્બા, પડીકી સહિતના ઉપર ખતરનાક કેન્સરનો ફોટો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે જે જોઈને ભલભલાને ચીતરી ચડી જાય અથવા તો ડર પેસી જાય તેવું બની રહ્યું છે આમ છતાં હજારો `ખતરોં કે ખેલાડી’ એવા છે જેમને આવી તસવીરોથી કંઈ જ ફરક પડતો ન હોય તેવી રીતે ફાકી એકદમ ગરમ ન થઈ જાય ત્યાં સુધી તેને મસળીને ખાવામાં વ્યસ્ત બની જાય છે.
આમ તો દર વખતે કેન્દ્રનું બજેટ જાહેર થાય એટલે 1 એપ્રિલથી પાન-ફાકીના ભાવમાં વધારો થઈ જ જતો હોય છે પરંતુ આ વખતે તમાકુ ઉપર એક સાથે 25 રૂપિયા અને સોપારી ઉપર કિલોએ 100 રૂપિયા વધારો કરી દેવામાં આવતાં ડાયરેક્ટ ખીસ્સાને અસર કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
એક વેપારીએ જણાવ્યું કે સામાન્ય રીતે રાજકોટમાં દરેક બંધાણી દિવસની સરેરાશ ત્રણ ફાકી તો ખાતો જ હોય છે ત્યારે પ્રતિ ફાકીએ પાંચ રૂપિયાનો વધારો આવતાં તેના દૈનિક ખર્ચમાં પંદર રૂપિયાનો વધારો થશે અને માસિક ખર્ચ 450 રૂપિયા વધી જશે. અત્યાર સુધી ફાકી 20 રૂપિયામાં મળતી હતી જેના માટે હવે 25 રૂપિયા ચૂકવવા પડનાર હોવાથી વ્યસનીઓ માટે કાં તો ફાકી બંધ કરી દેવી સારી અથવા તો ઓછી કરી દેવી જ હિતાવહ રહેશે કેમ કે તમાકુનું સેવન કરવાથી શરીર અને ખીસ્સા બન્નેને ફટકો પડ્યા વગર રહેશે નહીં.
આ પ્રકારનો વધારો થાય એટલે વ્યસનીને 100% અકળામણ અનુભવાશે પરંતુ તેના પરિવારજનો ખુશ થશે કેમ કે ખર્ચ વધી જવાથી તેમનું સ્વજન વ્યસનના માર્ગેથી અમુક અંશે અંતર જાળવશે.
નવા માલની ખરીદી સાથે જ વધારો લાગુ પડી જશેઃ ચેતન માલવી
ચંદ્રેશનગર મેઈન રોડ ઉપર પાનની દુકાન ધરાવતાં ચેતન માલવીએ જણાવ્યું કે જે વેપારી પાસે જૂના ભાવે ખરીદેલી તમાકુ અને સોપારી પડી હશે તે અત્યારે ફાકી કે પાનના ભાવમાં વધારો લાગુ નહીં કરે પરંતુ જેવી નવા માલની ખરીદી કરશે એટલે તેણે નવા ભાવે ખરીદી કરવી પડી હોવાથી આપોઆપ વધારો લાગુ થઈ જશે. સોપારીમાં તો કિલોએ 100 રૂપિયા વધી જ ગયા છે ત્યારે હવે તમાકુના 50 ગ્રામના ડબ્બે પણ 25 રૂપિયા વધારો થયો હોવાથી 25 રૂપિયા લેવામાં આવશે.
અમે ગમે ત્યારે 25 રૂપિયા લેવાનું શરૂ કરી દેશું
કાલાવડ રોડ પર `પાનશોપ’ના માલિક રામભાઈએ જણાવ્યું કે અત્યારે અમે ફાકીના 20 રૂપિયા જ લઈ રહ્યા છીએ પરંતુ ટૂંક સમયમાં જ 25 રૂપિયા લેવા લાગશું કેમ કે અમારે પણ નવા ભાવથી તમાકુ-સોપારી સહિતની ખરીદી કરવાની હોય છે.
`વોઈસ ઓફ ડે’ની અપીલઃ આટલો ખર્ચ કરીને કેન્સરને આમંત્રણ શા માટે આપવું ?
`વોઈસ ઓફ ડે’ દ્વારા પાન-ફાકીના બંધાણીઓને એક અપીલ પણ કરવામાં આવી છે કે એક ફાકીની કિંમત 25 રૂપિયા થઈ ગઈ છે ત્યારે આટલો બધો ખર્ચ કરીને કેન્સરને આમંત્રણ આપવું જોઈએ નહીં…ફાકી ખાવાથી શરીરને કોઈ જ ફાયદો થતો નથી ઉલટાની અનેક બિમારી શરીરમાં ઘર કરી જાય છે અને અંતમાં કેન્સર થાય જ છે તે વાત પણ નિશ્ચિત છે ત્યારે આજથી જ આ ભાવવધારાના વિરોધમાં ફાકી બંધ કરી દેવી એ જ સમયની માંગ છે.