સત્ય હોય તો શર્મનાક !! રાજકોટ PCBએ 35 ‘પેટી’નો તોડ કરી બુટલેગરને જવા દીધો? જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટ શહેરમાં પાવર બ્રાન્ચ ગણાતી PCBનું ડિટેક્શન નહીં સિલેક્શન (દારૂ, જુગાર કે આવા છૂપા ધંધા) પર જ ફોકસ રહે છે. આ દૂષણ ડામવું, પકડવું એ સારૂ જ કામ છે પરંતુ મકસદ શુધ્ધ હોય તો તાજેતરમાં જ PCBએ વિદેશી દારૂના દરોડામાં ગોડાઉન પર હાજર સંભવતઃ ત્રણ અક્ષરવાળા કર્ક રાશીના બુટલેગરને બાઈજ્જત જવા દેવાનો 35 ‘પેટી’માં સોદો પાર પાડી 50 બાચકા ભરીને બોટલો પણ સેરવી (કાઢી) લીધાની ભારે ચર્ચા ચાલી રહી છે. ડાયરેક્ટ પોલીસ કમિશનરની અંડરમાં આવતી પીસીબીમાં જો આવું થયું હોય, થતું હોય સત્ય હોય તો શર્મનાક કહી શકાય. કારણ કે બુટલેગરને તો આડકતરી રીતે છૂટ જ આપી દીધી કે મળી ગઈ ગણાય.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ક્રાઈમ બ્રાન્ચની સાથે જે તે સમયે સાઈડલાઈન કે શાંત માત્ર પાસા પુરતી સિમિત જેવી પીસીબીને પણ શહેરમાં દારૂ, જુગાર કે આવી બદીઓ ડામવાના સારા હેતુથી એક્ટિવ કરી કે પાવરમાં લાવ્યા હશે. ડીસીબીમાં રહેલા કે અગાઉ ડીસીબી કરી ચૂકેલા જ મહત્તમ જુના જોગીઓ, ચુનંદા, ઉડતા તે પંખીઓ પાડનારા કે ચોક્કસ કામો, કેસોમાં પારંગતોને જ પસંદ કરાયા. કદાચ સી.પી. શહેર માટે નવા હોય અને કોનું કેવું કામ ? તે બાબતથી વિશેષ વાકેફ ન હોય શકે જેથી એવું બનતું હશે કે તાબાના અધિકારીગણ કહે એ મુજબ ઓર્ડર થતાં હોઈ શકે. પીસીબીમાં દારૂ, જુગાર કે આવા છૂપા કામો. કેસો પણ સારા શોધાય છે અને થાય છે જે સારી બાબત છે પરંતુ લાવો-લાવોમાં માનનારાઓ કેસમાં કેશ શોધતા રહેતા હોવાની ચર્ચા છે. પોદળો પડે એટલે…લે જની માફક કામ થતું હશે કે કેમ ? આવી વાતો છે.
એવી ચર્ચા છે કે થોડા દિવસ પહેલાં જ થોરાળા વિસ્તારમાં એક ગોડાઉનમાં PCBની ટીમ બાતમીના આધારે પહોંચી હતી. બોટલો ભરેલું ટ્રક જેવું મોટું વાહન પણ મળી આવ્યું હતું. એવું કહેવાય છે કે છે કે લાખોની કિંમતના દારૂની બોટલો સાથે ત્યાં કર્ક રાશીવાળો મુખ્ય બુટલેગર હાજર હતો. જો કે આ વ્યક્તિને નહીં પકડવા, નામ નહીં ખોલવા કે જવા દેવા માટે લાગતા-વળગતા સાથે 35 ‘પેટી’માં સોદો પાર પડયો હતો. આવી ચર્ચાતી વાતમાં 25 પેટી કર્ક રાશીના બુટલેગરને બાઈજ્જત જવા દેવાના અને 10 પેટી ઉપર કોઈનું નામ નહીં લેવા પેટે લાખેણો કડદો થયાર થયો હતો. બુટલેગરને મુક્ત કરી દેવાયો હતો. કદાચ એવું પણ થયું હશે કે સાવ તો કેમ ભીનું સંકેલવું માટે બુટલેગરના જ સાગરીત અથવા અન્ય કોઈ લાગતા-વળગતા ધંધાર્થીને બુટલેગરની ગોઠવણ સાથે બનાવી દેવાયો હોઈ શકે. જો બુટલેગર ગોડાઉન કે આવા સ્થળ પર હાજર હોય અને જવા દેવાયો હોય તો સાથે એવી પણ વાત છે કે 35 ‘પેટી’માં ગોઠવણીની સાથે સાથે માલ ઓછો બતાવવા તે માટે ટીમ-સ્ટાફે 50 જેટલા બાંચકા (પેટી) પણ સગેવગે કરી લીધી હતી. 50 બાંચકા દારૂ અને 35 પેટીનો લાખેણો કડદો થયો હોવાથી ટીમે સંતોષ વ્યક્ત કરીને હર-હર મહાદેવ માની લીધું હશે ? ઉપરોક્ત બધી બાબતો ચર્ચા, જો અને તો જેવી છે. હજુ સુધી ક્યાંય કાંઈ ચોપડે ચડ્યું નથી, આવ્યું નથી અને કુદાચ ઉપરીઓના છૂપા આશીર્વાદ હશે તો આવશે પણ નહીં, માટે 50 બાંચકા બોટલો કાઢી લીધી, 35 ‘પેટી’ લીધી બધું અફવારૂપ જ માનવું પડે
