મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીનો કર્મયોગીઓ માટે સંવેદનશીલ નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમના કર્મયોગીઓ માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે, જે અંતર્ગત એસ.ટીના કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને રૂ.૧૪/- લાખની સહાય આપવામાં આવશે તેમ, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને પહોચાડવા માટે એસ.ટી નિગમના કર્મચારીઓ કોઈ પણ તહેવારની રજા લીધા વિના ફરજ પર હર હમેશ નિષ્ઠાથી કાર્યરત રહે છે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મયોગીને કોઈ પણ પ્રકારે અવસાન થાય થાય ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેના આશ્રિત કુટુંબને રૂ.૧૪ લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
આ સહાય પહેલા એસ.ટી નિગમમાં વિવિધ સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ – ૪ના નિયમિત કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલ નોકરીના સમયગાળાને ધ્યાનમાં લઈને રૂ.૪/-લાખ, રૂ.૫/-લાખ અને રૂ.૬/-લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવતી હતી. આ સિવાય એસ.ટી નિગમના નિયુકત કરાયેલા પાંચ વર્ષિય ફિકસ પગારની કરારીય સેવાના વર્ગ-૩ અને વર્ગ-૪ ના અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૂ. ૪ લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવતી હતી.
રાજ્ય સરકારના આ નિર્ણયથી નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ કે ત્યારબાદ ચાલુ નોકરી દરમ્યાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને રૂ.૧૪/-લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવાની રહેશે, આ ઉપરાંત વિવિધ કચેરીઓ ખાતે નિયુકત કરાયેલ પાંચ વર્ષિય ફિકસ પગારની કરારીય સેવાના વર્ગ-૩ અને વર્ગ-૪ના અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૂ.૧૪ લાખ ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવશે.