અમેરિકાએ 50 ટકા ટેરીફ નાખ્યા તો આપણે 75 ટકા નાંખો : ચોટીલામાં કેજરીવાલનો મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનું ચોટીલા ખાતેનું મહાસંમેલન તો વરસાદને લીધે રદ કરવામાં આવ્યું હતું પરંતુ તેમણે પત્રકારો સાથે વાત કરીને કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમેરિકાએ ભારત ઉપર 50 ટકા ટેરીફ નાખ્યા છે તો ભારતે અમેરિકા ઉપર 75 ટકા ટેરીફ નાખી દેવા જોઈએ. કેજરીવાલે પત્રકાર પરિષદમાં ખેડૂતોના કપાસનો મુદ્દો ઉઠાવીને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
કેજરીવાલે એમ પણ કહ્યું, “ટ્રમ્પ એક કાયર અને ડરપોક છે, જે-જે દેશે તેની પડ્યા છે તેની સામે ટ્રમ્પે નમવું પડ્યું છે. દુનિયા નમે છે, બસ નમાવા વાળો જોઈએ.” કેજરીવાલે કહ્યું કે જો તમે ભારતમાં 4 અમેરિકન કંપનીઓ બંધ કરશો, તો તેઓ (અમેરિકા)ને તેમની દાદી યાદ આવી જશે.
કેજરીવાલે કહ્યું, “આપણા કપાસના ખેડૂતોએ લોન લઈને કપાસની ખેતી કરી હતી, ખેડૂતો અપેક્ષા રાખતા હતા કે જ્યારે તેઓ તેમનો પાક બજારમાં લઈ જશે, ત્યારે તેમને તેના માટે સારો ભાવ મળશે. પરંતુ કેન્દ્રમાં બેઠેલી નરેન્દ્ર મોદીની સરકારે 19 ઓગસ્ટના રોજ અમેરિકન કપાસ પરની 11% આયાત ડ્યુટી દૂર કરી દીધી અને હવે અમેરિકન કપાસ સસ્તો વેચાશે. હવે જ્યારે ભારતીય ખેડૂતો બજારમાં તેમનો કપાસ વેચવા જાય છે, ત્યારે તેમને ખરીદદારો પણ મળતા નથી.” કેજરીવાલે કહ્યું, “આજે ચર્ચા છે કે અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે, જેમાં તેમને જેલમાં મોકલી શકાય છે. હવે લોકો કહી રહ્યા છે કે અદાણીને બચાવવા માટે, મોદી ટ્રમ્પની ગુંડાગીરી સામે ઝૂકી રહ્યા છે અને કપાસના ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કરી રહ્યા છે.”
કેજરીવાલે કહ્યું, “પહેલા સરકારે સપ્ટેમ્બર સુધી અમેરિકન કપાસ પરની આયાત ડ્યુટી દૂર કરી હતી અને હવે તેને ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. કાપડ ઉદ્યોગે અમેરિકન કપાસ માટે ઓર્ડર આપ્યો છે. આપણા દેશના ખેડૂતોનો કપાસ ખરીદવા માટે કોઈ નહીં હોય. હવે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થશે. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે ખેડૂતોને પ્રતિ વીસ કિલો ₹1500-1700 મળતા હતા. આજે જ્યારે મોદી વડા પ્રધાન છે, ત્યારે ખેડૂતોને પ્રતિ વીસ કિલો ₹1200 પણ નથી મળી રહ્યા. હવે ભારતીય ખેડૂતોને ₹900 થી ઓછા ભાવ મળશે.”
