શેઈમ…શેઈમ: જૈન સાધ્વી સાથે છેડતી !
છેડતી કરનારા શખ્સોના સ્કેચ જાહેર કરતી પોલીસ: સાધ્વીએ બૂમાબૂમ કરતાં જ મુઠ્ઠી વાળીને ભાગ્યા: પોલીસ થઈ દોડતી
કોલકત્તાની ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી પરંતુ ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેડતી સહિતના ગુનાઓ અટકવાનું નામ લઈ રહ્યા નથી. હદ તો ત્યાં થઈ ગઈ કે હવે તો જૈન સાધ્વી પણ છેડતી જેવા હિચકારા કૃત્યથી બાકાત રહ્યા નથી ! આ ચોંકાવનારી ઘટના બનતાં જ પોલીસમાં દોડધામ થઈ જવા પામી છે સાથે સાથે છેડતી કરનારા બે શખ્સોના સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યા છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે આ ઘટના બનાસકાંઠાના ભાભર ગામે બની હતી. ભાભરમાં રહેતાં જૈન સાધ્વી કામઅર્થે બહાર નીકળ્યા હતા ત્યારે ત્યાં જ ઉભેલા બે શખ્સોએ તેમની છેડતી કરી હતી. આ પછી સાધ્વીએ હિંમતભેર બૂમાબૂમ કરી મુકતા છેડતી કરનારા બન્ને શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને જૈન સમાજ જ નહીં બલ્કે દરેક સમાજ અત્યારે વિરોધ કરી રહ્યો છે.
આ અંગે આચાર્ય વિજય સોમસુંદરસૂરીજીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. આ મામલો પોલીસ સમક્ષ પહોંચતાં જ તપાસ શરૂ કરી આરોપીઓના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે અને તેના આધારે બન્નેને દબોચી લેવા દોડધામ ચાલી રહી છે. આ માટે એસઓજી, એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ તેમજ ભાભર પોલીસની અલગ-અલગ ટીમ દોડી રહી છે અને ૧૩ જેટલા શંકાસ્મદ શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.