તારા પટ્ટા-ટોપી ઉતરાવી નાખીશ…રાજકોટમાં બુટલેગર પુત્રની પોલીસમેનને ધમકી, જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટ શહેરના નામચીન બુટલેગર અને અનેક વખત પોલીસ ચોપડે ચઢી ચુકેલા યાસીન મોટાણીના પુત્ર કોનેન ટ્રાફિક પોલીસમેનને બેરીકેડ હટાવી લેવાનું કહીં ‘તું મને ઓળખતો નથી, હું તારા પટ્ટા-ટોપી ઉતરાવી નાખીશ.” કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પોલીસ ફરિયાદની વિગતો મુજબ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પ્રદિપસિંહ કરણસિંહ રાણાવત લોકરક્ષક ગઇકાલે સાંજે ભોમેશ્વર ફાટક પાસે હોમગાર્ડ શૈલેષ વાઘેલા સાથે ડયુટી પર હતા. મોડી સાંજના સાડા સાતેક વાગ્યે એક રિક્ષા ધસી આવી હતી. તેમાંથી યાકુબનો પુત્ર કોનેન મોટાણી ઉતર્યો હતો. રેલવે ફાટક પાસે ટ્રાફિક નિયમન માટે બેરીકેડ લગાવેલા હોવાથી આરોપી કોનેને પોલીસમેનને બેરિકેડ કેમ લગાવ્યા છે ખોલી નાખો. પોલીસમેને ટ્રાફિકને કારણે લગાવ્યા હોવાથી અને તે ન ખોલવા કહ્યું હતું. બેરીકેડ ન હટાવતા “તમે મને ઓળખતા નથી.
આખા રાજકોટની પોલીસ મને ઓળખે છે, હું કોનેન યાકુબભાઈ મોટાણી છું, હવે તું અહીં કેમ નોકરી કરે છે તે હું જોવું છું. હું તારા પટ્ટા-ટોપી ઉતરાવી નાખીશ.” કહી પોલીસમેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માણસો એકઠા થઈ ગયા હતાં. ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પી.સી.આર. આવી પહોંચી હતી. એટલીવારમાં આરોપી કોનેન ત્યાંથી નીકળી ગયો હતો. બનાવ અંગે પોલીસમેનની ફરિયાદ આધારે પી.એસ. આઈ. પી.બી.પટેલ તથા સ્ટાફે આરોપીની ધરપકડ કરી હતી.
