ક્ષત્રિય સંકલન સમિતિના જ હિતશત્રુઓએ ખોટા સમાચાર ફેલાવ્યાનો આરોપ, કોઈને પણ નહીં છોડવાની ચીમકી
પેટા: જયરાજસિંહ મારા મોટા ભાઈ, મોદીએ કરેલા કામને હું હંમેશા વખાણીશ !
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રજવાડા વિશે નિવેદન આપતાં ક્ષત્રિય સમાજમાં તેમના વિરુદ્ધ રોષ વકરી રહ્યો છે. આ બધાની વચ્ચે બીજી બાજુ આંદોલનમાં જોરશોરથી ભાગ લેનાર રાજકોટના પદ્મીનીબા વાળાને તેમના પતિએ ઢોર માર મારી કાઢી મુક્યાના અહેવાલો વહેતાં થતાં પદ્મીબાએ એવો ખુલાસો કર્યો હતો કે મને મારા પતિએ મારી હોવાની વાત તદ્દન ખોટી છે અને હું અત્યારે મારા ઘરમાં જ રહું છું. આ કૃત્ય ક્ષત્રિય સંકલન સમિતિમાં સામેલ મારા હિતશત્રુઓ દ્વારા આચરવામાં આવ્યું છે. હું આ કોઈને છોડવાની નથી તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
પદ્મીનીબાએ જણાવ્યું કે મારા પતિ બહુ જ સારા છે. આ તો મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો એટલે મારા વિરુદ્ધ કાવતરા રચાવાનું શરૂ થયું છે. સમિતિનો વિરોધ હું એટલા માટે કરી રહી છું કેમ કે મહા સંમેલનમાં મારું અપમાન કરવામાં આવ્યું હતું. સમિતિમાં સામેલ અમુક લોકો એવું ઈચ્છે છે કે હું ઘરે બેસી જાઉં પરંતુ હું એવું કરવાની નથી. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ વિશે તેમણે કહ્યું હતું કે એ તો મારા મોટા ભાઈ છે ! અત્રે ઉલ્લેખ કરવો એટલા માટે જરૂરી છે કેમ કે પદ્મીબાએ શરૂઆતમાં જયરાજસિંહ વિરુદ્ધ પણ નિવેદન આપ્યું હતું.
આ ઉપરાંત તેમણે કહ્યું કે હું મોદીની બિલકુલ વિરોધી નથી કેમ કે તેમણે જે કામ કર્યા છે તેના હંમેશા વખાણ કરવા જ જોઈએ. હું અત્યારે ભાજપમાં પણ નથી અને કોંગ્રેસમાં પણ નથી. જો કે ક્ષત્રિય આંદોલન હવે સ્વાભિમાનની લડાઈ નહીં બલ્કે રાજકીય રંગ ધારણ કરી ચૂક્યું હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. તેમણે એવી ગર્ભિત ચેતવણી પણ આપી હતી કે મારા પરિવાર વિરુદ્ધ મેસેજ મુકનારને હું છોડીશ નહીં અને હું આ લડત આગળ પણ ચલાવીશ.